ડીસીબીની ટીમે ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી દબોચી લઈ કાયદાનું ભાન કરાવ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના પારેવડી ચોકથી ભગવતીપરા પર જતા પૂલ નીચે હોમગાર્ડ જવાનને ગુપ્તી ફટકારી લૂંટી લેનાર બે આરોપીઓ ગણેશનગરના મોહીત ચમનભાઈ ગોહેલ ઉ.21 અને અમિત વિજયભાઈ ખુમાણ ઉ.18ને ક્રાઈમ બ્રાંચે ગ્રીન લેન્ડ ચોકડી નજીકથી ઝડપી લઈ કાયદાનું ભાન કરાવી બી ડિવિઝન પોલીસને સોપ્યા હતા. બી ડીવીઝન પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતો વિપુલ સોલંકી પોતાની નોકરી પર હતો ત્યારે આરોપી મોહીતે આવી હું ગણેશનગરનો ડોન છું, તું કેમ અહીં બેઠો, પોલીસે અહીં બેસવું નહીં. તેમ કહી બોલાચાલી કર્યા બાદ ગુપ્તી વડે હુમલાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં ગુપ્તીના હાથા ફટકારી રૂા. 400 લૂંટી લીધા હતા. જે અંગે ગઇકાલે બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી ઉચ્ચ અધિકારીઓએ તત્કાળ આરોપીઓને ઝડપી લેવાની સૂચના આપી હતી. જેના પગલે ક્રાઈમ બ્રાંચે બંને આરોપીઓને ગ્રીન લેન્ડ ચોકડી નજીકથી ઝડપી લીધા હતા. આરોપી મોહીત વિરૂધ્ધ આ અગાઉ બી ડીવીઝન પોલીસ મથકમાં જીપી એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધાયેલો છે.



