દેવજી ફતેપરા અને કુંવરજી બાવળિયા વચ્ચે ખટરાગ
દેવજી ફતેપરાએ અલગથી સંમેલન બોલાવ્યું : ફતેપરાના સંમેલનમાં બાવળિયા અને મહેન્દ્ર મુંજપરાને નો એન્ટ્રી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગતા જ હવે અલગ-અલગ સમાજના લોકો એકઠા થઈને સરકાર સમક્ષ પોતાની માંગણીઓ કરી રહ્યાં છે. રાજ્યમાં જાતિવાદનું રાજકારણ ચરમ પર છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજ બાદ હવે સૌરાષ્ટ્રના કોળી સમાજમાં બે ફાંટા પડ્યા છે. હકીકતમાં ગુજરાત સરકારના પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયા અને પૂર્વ સાંસદ દેવજી ફતેપરા સામસામે આવી ગયા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, હવે દેવજી ફતેપરા દ્વારા કોળી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. દેવજી ફતેપરાએ જણાવ્યું કે, અમે જે બેઠકો બોલાવીએ તેમાં કુંવરજી બાવળિયા નહીં હોય. અમારા સંમેલનમાં કુંવરજી બાવળિયા અને મહેન્દ્ર મુંજપરાને કોઈ એન્ટ્રી નહીં મળે.
- Advertisement -
ફતેપરાએ વધુમાં જણાવ્યું કે, કુંવરજીભાઈ કેમ અળગા ચાલે છે? એ તેમનો વિષય છે. કોળી સમાજના આગેવાનો હજુ પણ મને પૂછી રહ્યા છે. ગુજરાતની 54 બેઠકો એવી છે, જ્યાં અમે જીતાડી શકીએ તેમ છીએ. જ્યારે 30-32 બેઠકો એવી છે, જ્યાં અમે નિર્ણાયક છીએ.
ગુજરાતના રાજકારણમાં કોળી સમાજનો દબદબો
ગુજરાતની વાત કરીએ તો, સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં કોળી સમાજનો વર્ષોથી દબદબો છે. રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં આજે પણ કોળી સમાજના મતદારો નિર્ણાયક સાબિત થઈ રહ્યા છે. 2002 સુધી કોળી સમાજ કોંગ્રેસની સાથે જ હતો. જો કે 2002 બાદ કોળી સમાજે કોંગ્રેસનો હાથ છોડીને ભાજપને સાથ આપ્યો છે.
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 28 બેઠકો પર કોળી સમાજના મત નિર્ણાયક સાબિત થઈ શકે છે. વર્ષ 2012માં કોળી સમાજના 18 ધારાસભ્યો ચૂંટાયા હતા. જ્યારે 2017ની ચૂંટણીમાં કોળી સમાજના 17 ધારાસભ્યો ચૂંટાયા હતા. જે પૈકી 7 કોંગ્રેસ અને 10 ધારાસભ્યો ભાજપના હતા.તાજેતરમાં જ રાજકોટ ખાતે સમસ્ત કોળી અને ઠાકોર એકતા મિશનના નેજા હેઠળ બેઠક મળી હતી. જેમાં કોળી-ઠાકોર સમાજને અલગથી 20 ટકા અનામત આપવા સહિત વિવિધ માંગને લઈને રજૂઆત કરવામાં આવી હતી. જો કે આ સંમેલનમાં બાવળિયા અને ફતેપરા સહિત કોઈ રાજકીય નેતાને આમંત્રણ આપવામાં આવ્યું નહતું. એ સમયે પણ બન્ને નેતાઓ વચ્ચેનો ખટરાગ સ્પષ્ટ જોવા મળ્યો હતો.


