રાજકોટમાં 19મીએ વડાપ્રધાન આવતા હોય તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ
સરકારી-જાહેર બિલ્ડીંગમાં લાઇટિંગ કરાશે : સ્ટેજ-પાણી-સેનિટેશન-સફાઇ-પાર્કિંગ-વાહનવ્યવહાર-રોડ શો-સાંસ્કૃતિક કાર્યક્રમો અંગે સમીક્ષા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની 19 ઓકટોબરની સંભવિત રાજકોટ મુલાકાતના આયોજનની સર્વગ્રાહી સમીક્ષા જિલ્લા પ્રભારી તથા રાજયના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ કરી હતી.
કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ સમીક્ષા બેઠકના પ્રારંભે સ્ટેજ વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, પીવાનું પાણી, સેનીટેશન, સફાઈ, સભાસ્થળે પાર્કિંગ તથા વાહનવ્યવહારની વ્યવસ્થા, વડાપ્રધાનના આગમન સમયે યોજાનાર રોડ-શો દરમિયાન ઉપસ્થિત રહેનારા શાળા-કોલેજના છાત્રો, વિવિધ જ્ઞાતિઓ તથા ઉદ્યોગો વગેરેના મંડળો, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે બાબતોનું બારીકાઈથી તથા ચુસ્તતાથી આયોજન કરવા મંત્રી જીતુભાઈ વાઘાણીએ ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરી હતી. મંત્રી વાઘાણીએ નવીનતાસભર કાર્યક્રમો યોજવા તથા સમગ્ર કાર્યક્રમને રસપ્રચૂર બનાવવા પર ભાર મૂક્યો હતો.
શહેરના તમામ સર્કલ્સને રોશનીથી શણગારવા, સરકારી તથા જાહેર બિલ્ડિંગમાં લાઈટિંગ કરવા, મુખ્ય જગ્યાઓએ બેનર પ્રદર્શિત કરવા તથા અન્ય આકર્ષક બાબતો ઉમેરી શહેરીજનોમાં વડાપ્રધાનની ઉપસ્થિતિ પ્રત્યે ઉત્સુકતા ઊભી કરવા મંત્રી વાઘાણીએ હિમાયત કરી હતી.
બેઠકમાં સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર, ડેપ્યુટી મેયર દર્શીતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ,જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, નિવાસી અધિક કલેકટર કે. બી. ઠક્કર, નાયબ મ્યુનસિપલ કમિશ્નર આશિષકુમાર તથા ચેતન નંદાણી, જિલ્લા શિક્ષણાધિકારી બી. એસ. કૈલા તથા અન્ય સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.