રમ-બ્રાન્ડી વગેરે બાળકોનાં દિમાગ પર ખરાબ અસર કરે છે અને તેનાંથી શરદી મટી જાય એ એક ભ્રમ છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19
શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે, ઠંડીની સિઝન સાથે તાવ-શરદીના કેસ પણ વધ્યા છે. ખાસ કરીને બાળકોમાં તાવ-શરદી-ઉધરસના કેસ વધ્યા છે. કેટલાક માતા-પિતા તેમના નાના બાળકોને શરદી અને ઉધરસ હોય ત્યારે રમ અથવા બ્રાન્ડીના થોડા ટીપાં આપે છે. ઘણા લોકો બાળકોની છાતી પર આલ્કોહોલ પણ ઘસતા-લગાવતા હોય છે. તેઓ વિચારે છે કે આવું કરવાથી તેમના બાળકને જલ્દી સ્વસ્થ થવામાં મદદ મળશે. જોકે આવા ઘરેલું નુસખાઓ નુકસાનકારક છે.
- Advertisement -
નાના બાળકો નાજૂક હોય છે, તેમની ત્વચા સંવેદનશીલ હોય છે. ઋતુઓ બદલાઈ ત્યારે તેમના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડે છે. બાળકોને શરદી-ઉધરસ ખૂબ જ સરળતાથી થઈ જાય છે. નાના બાળકોને વારંવાર દવાઓ આપવી યોગ્ય નથી એવું સમજી કેટલાક માતા-પિતાઓ એમના બાળકોને શરદી-ઉધરસ થાય ત્યારે રમ-બ્રાન્ડીના થોડા ટીપાં પીવડાવતા હોય છે, અમુક શરીર પર લગાવતા હોય છે. માતા-પિતા સમજે છે કે, રમ-બ્રાન્ડી ગરમ હોય છે, જે બાળકના શરીરને હૂંફ આપે છે અને તેમની શરદી-ઉધરસ ઝડપથી મટી જાય છે.
નાના બાળકોને શરદી-ઉધરસ થાય ત્યારે બાળકને આલ્કોહોલનું સેવન કરાવવું બાળકના સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. આલ્કોહોલનું એક ટીપું પણ નાના બાળક માટે ઝેર ગણાય છે. રમ-બ્રાન્ડી આપવાના કારણે બાળકોને બાળપણમાં જ ખતરનાક બીમારીઓ થઈ શકે છે. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે રમ-બ્રાન્ડી બંનેમાં આલ્કોહોલ હોય છે, જે બાળકોને ઘણી રીતે નુકસાન પહોંચાડે છે. જો તમે બાળકોને થોડી માત્રામાં રમ અથવા બ્રાન્ડી આપો છો, તો તેનાથી તેમના ગળામાં બળતરા થઈ શકે છે અને લીવરની સમસ્યા પણ થઈ શકે છે.
રમ-બ્રાન્ડી બાળકોના મગજના કાર્યને પણ અસર કરી શકે છે, તેથી તેમને તે આપવાથી બચવું જોઈએ. બાળકના શરીર પર પણ આલ્કોહોલ ઘસવું-લગાવવું યોગ્ય નથી. રમ-બ્રાન્ડી બાળકોની શરદી-ઉધરસ ભગાવતી હોવાની માન્યતા ભૂલ ભરેલી છે. જો બાળકને શરદદી-ઉધરસ હોય તો બાળરોગ ચિકિત્સકની સલાહ લીધા પછી જ કોઈપણ દવા આપવી જોઈએ. જો બાળક ખૂબ નાનું હોય તો ઘરેલું ઉપચાર માટે પણ ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
ગળામાં બળતરા અને લીવરની ગંભીર સમસ્યાઓનું જોખમ :
બાળકના સ્વાસ્થ્યને નુકસાનથી બચવા માટે શરીર પર લગાવવાનું ટાળો



