ડેલામાંથી કબજે કરેલા 6.25 લાખની 4200 સિરપમાં આલ્કોહોલનો રિપોર્ટ
થોરાળા પોલીસે 9 માસ પૂર્વે દૂધની ડેરી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.29
- Advertisement -
રાજકોટના દૂધસાગર રોડ પરથી 9 મહિના અગાઉ થોરાળા પોલીસે દરોડો પાડી ડેલામાંથી 6.25 લાખની નશાકારક સીરપનો જથ્થો જપ્ત કર્યો હતો. જેમાં આલ્કોહોલ હોવાનો એફએસએલ રિપોર્ટ આવતા થોરાળા પોલીસે અજાણ્યા શખસ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ દૂધની ડેરી વિસ્તારમાં ગત 6 જુલાઈ 2023ના પીએસઆઇ એચ એન ગઢવી સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન સ્ટાફને દૂધસાગર મેઇન રોડ ઉપર રેશ્માબેન વસીમભાઈ ખેબરના બંધ ડેલામાં શંકાસ્પદ સીરપનો જથ્થો પડ્યો હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થળ પર જતાં ડેલાનું તાળું તુટેલું હોવાથી અંદર જઇને જોતા ગીતાંજલી હાર્ડ અસ્વસ્વ ઇમ્પ્રુવ ધ બ્રીએન હેલ્થ એન્ડ ઇન્સ્યુરન્સ કોર્ડિનેશન બીટવીન ધ બ્રીએન એન્ડ અધર પાર્ટ ઓફ બોડી પરફેક્ટ બ્લેડ ઓફ હેલ્થ ફૂલ રીચ ઇન્ગ્રીયન્ટ હેલ્થકેર લખેલી 400 એમએલની બોટલના 168 બોક્સ મળી આવ્યા હતા પોલીસ દ્વારા શંકાસ્પદ નશાકારક જણાતી કુલ રૂપિયા 6,25,800ની કિંમતની 4200 સીરપની બોટલ કબજે કરી હતી. તેમજ આ સીરપમાં રહેલા નશાકારક પદાર્થ અંગે જાણવા સીરપને લેબોરેટરીમાં મોકલવામાં આવી હતી. જેના રિપોર્ટમાં ઇથાઇલ આલ્કોહોલ 8.2 ટકા અને પ્રોપાઇલ આલ્કોહોલ 0.1 ટકા હોવાનો રિપોર્ટ હાલ આવ્યો છે. જેને પગલે અજાણ્યા શખ્સ સામે આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ પોલીસે 9 મહિના પૂર્વે ડેલામાં નશાકારક સીરપનો આ મોટો જથ્થો મૂકી જનાર અજાણ્યા શખ્સની શોધખોળ શરૂ કરી છે.