ઇતિહાસના પાને રચાઇ વીર-અમરના બલિદાનોની દાસ્તાં
ખાસ-ખબર સંવાદદાતા
આ નવલકથા કોઇ લોકસાહિત્યના વિષય પર અંકિત કરવામાં આવી નથી કે કોઇ રાસ પરથી રચવામાં આવી નથી. તેમજ કલ્પનાની પાંખે ઉડીને કંડારવામાં આવી નથી. પરંતુ આ કથા ઇતિહાસના જીવંત સ્મારક સમા અણનમ ખડા રહેલા પાળિયાઓની સાખ છે. બારોટોના બલિદાનની વીર યશગાથાની વાત આ નવલકથાનો પ્રાણ છે.
અલ્લાઉદ્દીન ખીલજીના સમયમાં ભારત વર્ષમાં તેમાંય ગુજરાતમાં ભારે અંધાધૂંધી, અત્યાચારની આગ, લૂંટફાટ વગેરે પ્રવર્તતા હતા. આવી પરિસ્થિતિમાં પાલિતાણામાં આવેલ મહાતીર્થ શત્રુંજય સિધ્ધગિરિવરના દહેરાઓનું રક્ષણ કરવાની જવાબદારી સૌને શીરે આવી પડી હતી અને તેમાંય ખાસ કરીને બારોટોને રક્ષણ શી રીતે કરવું તે ચિંતા કોરી ખાતી હતી. જ્યારે એવી પળ નજર સામે આવે છે. ત્યારે બારોટોના બલિદાનની વીર ગાથા રચાય છે. એ સમયે જાણે વીરશ્રી જીવંત રહી નહોતી. સૌ પોતપોતાના જીવ બચાવામાં વ્યસ્ત બન્યા હતા. ડર ભયથી વાતાવરણ દૂષિત બન્યું હતું. એકતાનો અભાવ હતો. રાજવીઓ મસ્ત બની ને તેમના માં જ રાચતા હતા. ક્યાંથી પૂરતી મદદ અને સહકાર મળી શકે તેમ ન લાગવાથી તીર્થની રક્ષા કાજે દાદુ બારોટના અંતરમાં એક જ ઉપાય ઉદ્ભવ્યો અને તેમાંથી અમર બલિદાનની કથા રચાઇ. આજે પણ તીર્થના પથ્થરો એ બારોટોની વીર બલિદાનની ગાથા કહેતા ઉન્નત મસ્તકે ગર્વથી ખડા છે. વિમલકુમાર ધામી લિખિત ‘અમર બલિદાન’ નવલકથા પરથી વિજયગિરિ ફિલ્મોઝ દ્વારા ‘કસુંબો’ ગુજરાતી ફિલ્મનું નિર્માણ થયું છે. જે તા. 16મી ફેબ્રુઆરીથી ગુજરાતી સિનેમાઘરોમાં રીલીઝ થઇ રહી છે. ‘અમર બલિદાન’ નવલકથા દરેક વસાવવા જેવી છે.
- Advertisement -
પુસ્તકનું નામ : અમર બલિદાન
લેખક : વિમલકુમાર મોહનલાલ ધામી
પ્રકાશક : નવયુગ પુસ્તક ભંડાર, નવા નાકા રોડ 1લે માળે, રાજકોટ – 360001, મો. 98790 23703
કિંમત : 240