ખાસ-ખબર ન્યૂઝ બરડા
સાસણ ગીર બાદ હવે પોરબંદર નજીક આવેલું બરડા જંગલ સફારી દેશ-વિદેશના વનપ્રેમીઓને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યું છે. રાજ્યના વનવિભાગ દ્વારા વિકસાવવામાં આવેલ બરડા સફારી છેલ્લા થોડા સમયથી સિંહોના સતત દર્શન, કુદરતી સૌંદર્ય અને શાંતિપૂર્ણ પરિસર માટે પ્રવાસીઓની પહેલી પસંદ બની ગયું છે. તાજેતરમાં અમેરિકાના એક પ્રવાસી પરિવારને બરડા સફારી દરમિયાન એવો અનુભવ થયો કે જે જીવનભર ભૂલાવી શકે એમ નથી.
- Advertisement -
સવારે સફારી દરમિયાન જીપ જંગલના અંતરના માર્ગે ધસી રહી હતી ત્યારે અચાનક જ રસ્તાની બાજુના ખીણ વિસ્તારમાં એક સાથે આખા 11 સિંહોના ઝુંડ નજરે પડ્યા. સિંહોનો આટલો મોટો ગ્રુપ એક સાથે દેખાય તે દુર્લભ ગણાય છે. વન અધિકારીઓ મુજબ, બરડા વિસ્તારમાં છેલ્લા કેટલાંક મહિનાથી સિંહોની હિલચાલ વધતી જોવા મળી છે. ગીરથી બરડાની દિશામાં આવતા વિસ્થાપિત સિંહો અહીં સ્થાયી થઈ રહ્યા છે, જેના પરિણામે સફારીમાં સિંહ દર્શનની સંભાવનાઓ ગીરની સરખામણીએ વધુ મજબૂત બની છે. અમેરિકન પરિવારના જણાવ્યા મુજબ, અમે તો સામાન્ય સફારી અનુભવની અપેક્ષા રાખીને આવ્યા હતા, પણ 11 સિંહોને એકસાથે જોઈને શ્વાસ અટક્યો કુદરતે આજે અમને અસાધારણ ભેટ આપી. ઉલ્લેખનીય છે કે બરડા જંગલ વિસ્તારની વસહાટ, ઊંડા વનપ્રદેશ, કુદરતી પાણીના સ્રોતો અને માનવ દખલ ઓછું હોવાને કારણે સિંહો માટે અનુકૂળ માહોલ ઉભો થયો છે. પરિણામે અહીં સિંહ દર્શનની સંભાવનાઓ દિવસોં દિવસ તેજીથી વધી રહી છે. વનવિભાગનું માનવું છે કે સુવ્યવસ્થિત ઇકો-ટુરિઝમ મોડેલ લાગુ કરવામાં આવશે તો બરડા ભવિષ્યમાં ગીર જેટલું જ નહીં પણ પર્યટનનું નવું હોટસ્પોટ સાબિત થઈ શકે છે.



