પ્રમુખપદ માટે ત્રણ પેનલ વચ્ચે ખરાખરીનો જંગ: 16 હોદ્દા માટે 50 ઉમેદવારો મેદાને
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.20
આજરોજ 20 ડિસેમ્બરે ગુજરાતભરમાં બાર એસોસિએશનના પ્રમુખ અને હોદ્દેદારો માટેની ચૂંટણીનું મતદાન સવારે 9 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં 3,704 મતદારો મતદાન કરશે. અહીં પ્રમુખ પદ માટે ત્રિપાંખિયો જંગ જામ્યો છે, જેમાં ભાજપ લીગલ સેલ આ વખતે ચૂંટણી લડી રહ્યું નથી. પરંતુ ભાજપ પ્રેરિત કાર્યદક્ષ પેનલ ચૂંટણી જંગમાં ઉતર્યું છે. આ સાથે જ સમરસ પેનલ ઉપરાંત ભાજપ વિરોધી તેમજ છેલ્લા ચાર વર્ષથી તેઓ બાર એસોસિએશનના પ્રમુખ રહી ચૂક્યા છે તેવા બકુલ રાજાણીની આગેવાનીમાં એક્ટિવ પેનલ ચૂંટણી લડી રહી છે. તો સુરતમાં પ્રમુખ પદ માટે ઉદય પટેલ અને બ્રિજેશ પટેલ વચ્ચે કટોકટીનો જંગ છે. સુરતમાં નોંધાયેલા 4978 મતદારોમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારે 9 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજના 4:30 વાગ્યા સુધી ચાલશે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મોડી રાત્રે પરિણામ જાહેર થવાની શક્યતા છે ત્યારે આજરોજ બાર એસો.ના પ્રમુખ અને હોદ્દેદારો માટેની ચૂંટણીમાં એડવોકેટ અમીત વેકરીયા, હિરેન ડોબરીયા, કૈલાસ જૈન, મેહુલ મહેતા, અશ્ર્વિન રામાણી, પંકજ દોંગા અને સુરેશ ફળદુ સહિતનાઓએ મતદાન કર્યું હતું.
- Advertisement -
બેલેટ પેપરથી થઈ રહેલી ચૂંટણીમાં મત આપવા જતાં મતદારોને મતદાન કેન્દ્રમાં મોબાઇલ સાથે જતા રોકવામાં ન આવતા આશ્ર્ચર્ય જનમ્યું હતુ. આ ઉપરાંત આ ચૂંટણીમાં એક્ટિવ પેનલમાંથી ચૂંટણી લડતા અને છેલ્લાં 4 વર્ષથી પ્રમુખ રહી ચૂકેલા બકુલ રાજાણીએ પ્રચાર માટે એક પણ બોર્ડ કે બેનર મતદાન કેન્દ્રની બહાર રાખ્યા નથી.
જ્યારે એક્ટિવ પેનલના પ્રમુખ પદના દાવેદાર અને હાલના રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ બકુલ રાજાણીએ જણાવ્યું હતું કે, અમારી એક્ટિવ પેનલ એક્ટિવ છે. દર વખતે મતદાન 2100થી 2300 થાય છે. આ વખતે મારા મત મૂજબ મતદાન 2000થી ઓછું થશે. વર્ષ દરમિયાન વકીલો માટે અનેક કાર્યો કર્યા છે. હવે હું અને મારી પેનલ જીતશે તેવો મને વિશ્ર્વાસ છે. ઉલ્લેખનીય છે કે, હાલના પ્રમુખ રાજાણીએ નવી કોર્ટ આવવાના ચોક પર અકસ્માત દૂર કરવા સ્પીડ બ્રેકર નાખવા, એટીએમ., પોસ્ટ ઓફિસ અને મેડિકલ સ્ટોર શરૂ કરવા તેમજ વકીલો માટે 3 માળનું બિલ્ડિંગ 5 માળનું બને તે માટે કામગીરી કરવા તૈયારી બતાવી છે.
કાર્યદક્ષ પેનલના દિલીપ જોષીએ જણાવ્યું હતું કે, રાજકોટ બાર એસોસિયેશનમાં હોદ્દા સાથે અને હોદ્દા વિના વકીલો માટે કામ કરે તેવી મારી પેનલ છે. કાર્યદક્ષ પેનલને ભાજપ લીગલ સેલનું સમર્થન છે. આ ઉપરાંત પેટા બાર અને સિનિયર વકીલો પણ અમારી સાથે છે. જ્યારે છેલ્લા ચાર વર્ષથી ભાજપ લીગલ સેલમાંથી પ્રમુખ પદ તરીકે ઉમેદવાર જીતી શક્યા નથી, તે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, તેવી કોઈ વાત નથી. આ વખતે અમે સ્વતંત્ર ઉમેદવારી નોંધાવેલી છે, જેમાં ભાજપનું સમર્થન છે. 2023માં વકીલ ભવન માટે રૂ.3.50 કરોડ ફાળવવામાં આવ્યા હતા તો તેમાંથી વકીલ ભવન બને. આ ઉપરાંત જુનિયરો માટે વકિલ સેમિનાર ઉપરાંત એકને બદલે બે વર્ષે ચૂંટણી થાય તેવો ઠરાવ કરવા માગીએ છીએ. કારણ કે, કોઈપણ નવી બોડી આવે તે એક વર્ષમાં કોઈપણ કામ પૂર્ણ કરી શકતી નથી.
હાલના પ્રમુખ રાજાણીએ નવી કોર્ટ આવવાના ચોક પર અકસ્માત દૂર કરવા સ્પીડ બ્રેકર નાખવા, એટીએમ., પોસ્ટ ઓફિસ અને મેડિકલ સ્ટોર શરૂ કરવા તેમજ વકીલો માટે 3 માળનું બિલ્ડિંગ 5 માળનું બને તે માટે કામગીરી કરવા તૈયારી બતાવી છે. તો ભાજપ પ્રેરિત કાર્યદક્ષ પેનલના પ્રમુખ પદના દાવેદાર દિલીપ જોષીએ વકીલ ભવન ચાલુ વર્ષે પૂર્ણ કરવા, જુનિયરો માટે વકીલ સેમિનાર ઉપરાંત એકને બદલે બે વર્ષે ચૂંટણી થાય તેવો ઠરાવ કરવાની તૈયારી બતાવી છે. કારણ કે, કોઈપણ નવી બોડી આવે તે એક વર્ષમાં કોઈપણ કામ પૂર્ણ કરી શકતી નથી.
- Advertisement -
સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં કુલ 50 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ સહિત 6 હોદ્દેદારો અને મહિલા અનામત સહિત 10 કારોબારી મળી કુલ 16 જગ્યાઓ માટે ચૂંટણીમાં પ્રમુખ પદ માટે 6, ઉપપ્રમુખ માટે 3, સેક્રેટરી માટે 4, જોઈન્ટ સેક્રેટરી માટે 2, લાયબ્રેરી સેક્રેટરી માટે 2, કારોબારી, મહિલા અનામત માટે 4 અને કારોબારી સભ્ય માટે કુલ 26 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.



