10,000 બાળકોને સંપૂર્ણ સંસ્કૃત મુખપાઠ કરાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી બાલ-બાલિકાઓ દ્વારા પ્રાપ્ત એક વિરલ સિદ્ધિની ઉજવણીના આ સીમાચિન્હરૂપ પ્રસંગ ઉજવાશે જે અંતર્ગત સંપૂર્ણ સત્સંગ દીક્ષા કંઠસ્થ કરનાર બાલ-બાલિકા વિદ્વાનોનો ભવ્ય સન્માન સમારોહ યોજાશે.
મહંત સ્વામી મહારાજ દ્વારા રચિત સત્સંગ દીક્ષા ગ્રંથ સનાતન ધર્મના મૂળભૂત એવા શ્રુતિ અને સ્મૃતિ શાસ્ત્રોમાંથી તારવેલો તમામ હિંદુ ધર્મગ્રંથોનો સાર રજૂ કરે છે. તે આધુનિક યુગમાં સામાજિક સૌહાર્દ, અખંડિતતા, સમાનતા અને પરસ્પર આદર, તત્ત્વજ્ઞાન, આંતરિક સાધના, ભક્તિની રીત જેવા આવશ્યક શૈક્ષણિક, સામાજિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂલ્યોનું સિંચન કરે છે. ગ્રંથના શીર્ષકમાં પ્રયોજાયેલો ‘દીક્ષા’ શબ્દનો અર્થ છે દૃઢ સંકલ્પ, અચલ નિશ્ર્ચય અને સમ્યક સમર્પણ. દિવાળી 2024 દરમિયાન મહંત સ્વામી મહારાજના સંકલ્પથી પ્રેરાઈને ‘મિશન રાજીપો’ અંતર્ગત 10,000 બાળકોને સંપૂર્ણ સંસ્કૃત મુખપાઠ કરાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. એક વર્ષ બાદ એ જણાવતાં અત્યંત હર્ષ થાય છે કે 15,666 બાળકો (ઉંમર 3થી 13)એ આ લક્ષ્યાંકને વટાવી દીધો છે, જે એક ખરેખર અભૂતપૂર્વ સિદ્ધિ છે.
વર્તમાન સમયમાં જ્યારે બાળકોનું ધ્યાન મોબાઈલ અને સોશિયલ મીડિયા તરફ ખેંચાયેલું હોય છે તેવા સમયમાં આ સિદ્ધિ બાળકોની અસાધારણ શિસ્ત અને તેમના વાલીઓ, બીએપીએસના સ્વયંસેવકો તથા સંતોના સમર્પણની ગાથારૂપ છે.
આ અદ્ભૂત સીમાચિન્હના ભાગરૂપે 425 જેટલા બાળ-બાલિકા વિદ્ધાનો મંગળવાર 28 ઓકટોબરે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ, રાજકોટ કંઠસ્થ કરેલા સંસ્કૃત શ્ર્લોકો દ્વારા વિશ્ર્વશાંતિ હોમાત્મક મહાયજ્ઞ કરશે.



