અદાણી વિવાદથી ભારતમાં રોકાણકારોના ભરોસા પર કોઈ અસર પડશે નહી: ખાત્રી આપતા સિતારમન: વૈશ્વીક ચર્ચા છતા કોઈપણ એક વિવાદની અસર પડી શકે નહી
ખાસ-ખબર સંવાદદાતા
છેલ્લા એક સપ્તાહથી સર્જાયેલા અદાણી વિવાદમાં આખરે સરકારે મૌન તોડતા કહ્યું કે ભારતનું નાણાંકીય ક્ષેત્ર તેના નિયામક દ્વારા વધુ સારી રીતે નિયંત્રીત થાય છે અને આ વિવાદમાં ભારતમાં રોકાણકારો પર કોઈ અસર થશે નહી.
છેલ્લા ચાર દિવસમાં શેરબજારમાં સર્જાયેલી અફડાતફડી અને જે રીતે દેશનાં એક સમયના ટોચના ઉદ્યોગગૃહ અદાણી ગ્રુપને તેનો એફપીઓ પાછો ખેંચી લેવાની ફરજ પડી તેના પર પ્રથમ વખત નાણામંત્રી નિર્મલા સીતારામને પ્રતિભાવ આપ્યો હતો અને જણાવ્યું કે કોઈ એક વિવાદની અસર પડી શકે નહી.
ભલે વૈશ્વીક સ્તરે તેની ગમે તેટલી ચર્ચા થતી હોય અદાણી ગ્રુપને ભારતીય બેન્કોએ તેની નિર્ધારિત મર્યાદામાં જ ધિરાણ આપ્યું છે અને અદાણી ગ્રુપના શેરોમાં મોટા કડાકા છતાં પણ નાણાકીય સંસ્થાઓની સ્ક્રીપ હજુ લાભપ્રદ છે.
નિર્મલા સીતારામને એ પણ ઉમેર્યુ કે સરકારી નાણાકીય સંસ્થાઓ દ્વારા અદાણી ગ્રુપને ધિરાણ અંગે તેની સ્પષ્ટતા કરી દીધી છે અને અદાણી ગ્રુપના શેર તૂટવાથી બેન્કો અને નાણાંકીય સંસ્થાઓ પર કોઈ મોટી અસર થશે નહી.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા અને એલઆઈસીના વડા દ્વારા બતાવાયું છે કે અદાણીમાં તેમનું રોકાણ હજુ પણ નફાકારક સ્થિતિમાં છે.
- Advertisement -
અદાણી વિવાદ ચાના કપમાં તોફાન જેવો: નાણાસચીવનો પ્રતિભાવ
નાણા સચીવ શ્રી ટી.વી.સોમનાથને અદાણીના શેરોમાં સર્જાયેલી અફડાતફડી બાદના મોટા ઘટાડાને તથા શેરબજારમાં જે હાહાકાર સર્જાયો છે તેને મેક્રો ઈકોનોમીકસ દ્રષ્ટીએ ચાના કપમાં સર્જાયેલા તોફાન જેવું ગણાવ્યું હતું અને ઉમેર્યુ કે આ સ્થિતિ તેનાથી કશું વિશેષ નથી. આ વિવાદમાં બેન્કો અને વિમા કંપનીઓ પરની સંભવીત અસરો અંગે તેઓએ પ્રતિભાવ આપતા જણાવ્યું કે બેન્કોના થાપણદારો કે વિમા કંપનીના પોલીસી ધારકોએ કે આ કંપનીના શેરધારકોએ કોઈ નાણાંકીય અસ્થિરતાની ચિંતા કરી નથી. કોઈ એક કંપનીનો શેર સમગ્ર પરીસ્થિતિ પર આ રીતે અસર કરી શકે નહી.