ડિસેમ્બરમાં જુદી-જુદી બેંકોના કર્મચારીઓ અલગ-અલગ તારીખે હડતાળ પાડશે: જાન્યુઆરીમાં રાજયવાઈઝ હડતાળ: 19/20 જાન્યુઆરીએ સળંગ બે દિવસ રાષ્ટ્રવ્યાપી આંદોલન
બેંકોમાં આઉટસોર્સિંગ બંધ કરીને ખાલી જગ્યાઓ પર કાયમી ભરતી કરવા સહિતની માંગણીઓ સાથે બેંક કર્મચારી યુનિયન દ્વારા આવતા મહિનામાં હડતાળનું એલાન કરાયું છે. નવા એકશનપ્લાન હેઠળ જુદા-જુદા દિવસોમાં અલગ-અલગ બેંકોના કર્મચારીઓ હડતાળમાં જોડાશે એટલે બેંકીંગ કામગીરી વ્યાપક રીતે પ્રભાવિત થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
- Advertisement -
ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ યુનિયનના મહામંત્રી સી.એચ.વેંકટચલમે જણાવ્યું હતું કે સરકાર તથા બેંક મેનેજમેન્ટ કલાર્કની જગ્યાઓમાં કાપ મુકીને સુપરવાઈઝરી સ્ટાફની સંખ્યા વધારી રહી છે. ઔદ્યોગીક તકરાર કાયદા હેઠળ છટકવા માટે કર્મચારીઓની સંખ્યા ઘટાડી રહ્યાની શંકા છે. જેનો સખ્ત વિરોધ છે.
આ વખતે એક જ દિવસે રાષ્ટ્રવ્યાપી હડતાળ કરવાને બદલે અલગ-અલગ દિવસોમાં બેંકવાઈઝ હડતાળ પાડવાનું નકકી કરવામાં આવ્યું છે. સરકારની કર્મચારી વિરોધી નીતિ સામે હડતાળનો આ સિલસિલો 4 ડિસેમ્બરથી 20 જાન્યુઆરી સુધી ચાલશે અને તેમાં 13 દિવસ બેંકીંગ કામકાજ પ્રભાવિત થશે.
બેંક યુનિયનના એલાન પ્રમાણે 4થી 11 ડિસેમ્બર દરમ્યાન અલગ-અલગ બેંકોના કર્મચારી જુદા-જુદા દિવસે હડતાળ પાડશે. 4 ડિસેમ્બરે પંજાબ નેશનલ બેંક, સ્ટેટ બેંક તથા પંજાબ એન્ડ સિંધ બેન્કમાં હડતાળ રહેશે. 5 ડિસેમ્બરે બેંક ઓફ બરોડા તથા બેંક ઓફ ઈન્ડીયામાં હડતાળ રહેશે. 6 ડિસેમ્બરે કેનેડા બેંક તથા સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડીયા, 7 ડિસેમ્બરે ઈન્ડીયન બેંક તથા યુકો બેંક 8 ડિસેમ્બરે યુનિયન બેંક ઓફ ઈન્ડીયા તથા બેંક ઓફ મહારાષ્ટ્ર અને 11 ડિસેમ્બરે ખાનગી બેંકોમાં હડતાળ રહેશે.
- Advertisement -
ત્યારબાદ બીજા તબકકામાં 2 જાન્યુઆરીએ તામિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, પોંડીચેરી, આંદામાન-નિકોબાર તથા લક્ષદ્વીપમાં બેંક કર્મચારીઓ હડતાળ પાડશે. 3 જાન્યુઆરીએ ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, દાદરાનગર હવેલી, દમણ તથા દીવની બેંકોમાં હડતાળ રહેશે. 4 જાન્યુઆરીએ રાજસ્થાન, ઉતરપ્રદેશ, મધ્યપ્રદેશ તથા છતીસગઢમાં તમામ બેંકોમાં કર્મચારીઓ હડતાળ પર રહેશે.
5 જાન્યુઆરીએ દિલ્હી, પંજાબ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, લદાખ, ઉતરાખંડ તથા હિમાચલપ્રદેશમાં અને 6 જાન્યુઆરીએ પશ્ર્ચીમ બંગાળ, ઓડીશા, ઝારખંડ, આસામ, ત્રિપુરા, મેઘાલય, મણીપુર, નાગાલેન્ડ, મીઝોરમ, અરૂણાચલ પ્રદેશ તથા સિકકીમની તમામ બેંકોમાં હડતાળ પાડવામાં આવશે. 19 અને 20 જાન્યુઆરીએ બે દિવસની રાષ્ટ્રવ્યાપી બેંક હડતાળ રહેશે.
બે તબકકામાં પડનારી બેંક હડતાળથી 13 દિવસ બેંકીંગ કામગીરી પ્રભાવિત થવાનો દાવો કરવામાં આવ્યો છે. સરકાર પર દબાણ વધારવા માટે આ રણનીતિ અપનાવવામાં આવી છે.