બનાસકાંઠા જિલ્લામાં સતત વરસાદને કારણે અનેક મુશ્કેલીઓ સર્જાવાની સાથે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું, અંબાજીમાં વાવાજોડાને લઈને કાચુ મકાન ધરાશાઈ
બિપોરજોય વાવાઝોડાની અસર હવે ઉત્તર ગુજરાતમાં વર્તાઇ રહી છે. ગઇકાલથી સમગ્ર ઉત્તર ગુજરાતમાં મેઘરાજા બેટિંગ કરી રહ્યા છે. આ તરફ બનાસકાંઠા જિલ્લામાં સતત વરસાદને કારણે અનેક મુશ્કેલીઓ સર્જાવાની સાથે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. સુઈગામ, વાવ, ભાભર, થરાદ સહિતના વિસ્તારોમાં ભારે પવનથી નુકસાન થયું તો અંબાજીમાં વાવાજોડાને લઈને કાચુ મકાન ધરાશાઈ થયું છે.
- Advertisement -
સરહદી વિસ્તારોમાં ભારે પવન
બિપોરજોય વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તે પહેલા તાંડવ શરૂ થયું છે. બનાસકાંઠા જિલ્લાના સરહદીઓ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની શરૂઆત થઈ ગઈ છે. વહેલી સવારે પણ ભારે પવન અને વરસાદથી જનજીવન પ્રભાવિત બન્યું છે. સુઈગામ, વાવ, ભાભર, થરાદ ધાનેરા, લાખણી, દિયોદર સહિતના વિસ્તારોમાં ભારે પવનથી નુકસાન થયું છે. આ સાથે અનેક મકાનોના પતરા ઉડ્યાં તો આ તરફ ધરાશાઈ થયેલા વૃક્ષોની કટિંગની કામગીરી હાથ ધરાઇ છે.
અંબાજીમાં કાચું મકાન ધરાશાઈ
યાત્રાધામ અંબાજીમાં પણ ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે. આ તરફ વાવાઝોડા અને ભારે પવનને કારણે અંબાજીમાં કાચુ મકાન ધરાશાઈ થયું છે. વિગતો મુજબ મકાન ધરાશાઈ થતા ધરવખરીનો સામાન પાણીમાં ધોવાયો છે. જોકે ઘરમાં રહેલા 3 વ્યક્તિઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
લાખણી નજીક શેડના પતરા ઉડ્યા
બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. જેને લઈ હવે ડીસા-થરાદ હાઈવે પર લાખણી નજીક શેડના પતરા ઉડ્યા હોવાનું સામે આવ્યું છે. તંત્ર દ્વારા તાત્કાલિક રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરાઈ છે. ભારે પવન સાથે વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાઇ થયા છે. રસ્તા પરથી વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે.
- Advertisement -
થરાદમાં ભારે વરસાદ
બનાસકાંઠા જિલ્લાના થરાદમાં ભારે વરસાદ વરસ્યો છે. આ તરફ ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડતાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા છે. થરાદ પંથકમાં ભારે પવન સાથે વરસાદથી નુકસાન થયું છે. અનેક નીચાણવાળા રસ્તાઓમાં પાણી ભરાયા છે. આ તરફ લાખણીની બજારમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને પરેશાની થઈ રહી છે. જેને લઈ દુકાનદારોએ તાત્કાલિક પાણીનો નિકાલ કરવાની માગ કરી છે.