સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મહત્વનું જાહેરનામું
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
અમરેલી જીલ્લામાં આગામી નગરપાલિકા અને તાલુકા પંચાયતોની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ બહાર પાડયું છે.ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-2023ની કલમ-163 અંતર્ગત જારી કરાયેલ આ જાહેરનામા મુજબ રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારો તથા તેમના કાર્યકરો ચૂંટણી કામ માટે સરકારી આરામગૃહો, ડાક બંગલાઓ અને વિશ્રામગૃહોનો ઉપયોગ કરી શકશે નહિ. આ આચારસંહિતાનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. તેમજ રાજકીય પક્ષોના સભ્યોની પ્રાસંગિક મીટીંગને પણ મંજુરી આપી શકાશે નહીં. ચૂંટણી પ્રચારમાં આવેલા જે મહાનુભાવોને સરકારી વિશ્રામગૃહ, અતિથિગૃહ વગેરેમાં રહેવા માટે રુમ ફાળવવામાં આવી હોય તે મહાનુભાવોને લાવતા લઈ જતા વાહનને જ સરકારી વિશ્રામગૃહ, અતિથિ ગૃહ વગેરેમાં રાખી શકાશે નહીં. કોઈ એક જ વ્યક્તિને 48 કલાકથી વધુ સમય માટે રુમ ફાળવી શકાશે નહીં તેમજ ચૂંટણી પ્રચાર માટે આવતા કોઈપણ મહાનુભાવોને મતદાન પૂરું થવાના 48 કલાક પહેલા વિશ્રામગૃહ, અતિથિ ગૃહ વગેરેમાં રહેવા માટે રુમ ફાળવી શકાશે નહીં તથા અતિથિ ગૃહોમાં પૂરી પાડવામાં આવી હશે તો તેઓની પાસેથી નક્કી કરેલ સામાન્ય દરોએ પૂરેપૂરી વસુલાત લેવાની રહેશે. આ જાહેર નામાનો અમલ હુકમ તારીખ થી તા.16.02.2025 સુધી કરવાનો રહેશે. આ સાથે જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 અન્વયે શિક્ષાને પાત્ર રહેશે. હુકમની અમલવારી કરવા તથા ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 મુજબ કાર્યવાહી કરવા માટે અમરેલી જિલ્લાના સંબંધિત ચૂંટણી અધિકારીઓ તથા મદદનીશ ચૂંટણી અધિકારીઓને અધિકૃત કરવામાં આવે છે. આચારસંહિતાનું પાલન કરવાની સૂચના આપવામાં આવેલ હોય આથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ અમરેલી દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.



