2021માં 450 મિલિયનનું ભંડોળ મેળવ્યું હતું, જે હવે તળિયે પહોંચ્યું
પેમેન્ટ પ્લેટફોર્મ્સની આવકમાં 10% હિસ્સો ગેમિંગ ઉદ્યોગનો, જેના કારણે મોટો માર પડશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.22
- Advertisement -
ઑનલાઈન સટ્ટાની ગેમ પર પ્રતિબંધ મૂકવાની જોગવાઈ ધરાવતો ખરડો લોકસભામાં તથા રાજ્યસભામાં પસાર થઈ ગયો છે ત્યારે આ રિઅલ મની ગેમિંગ (આરએમજી) કંપનીઓમાં છેલ્લા કેટલાક વર્ષોમાં રોકાણકારોએ કરેલા જંગી રોકાણ જોખમમાં મુકાઈ ગયા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે 2020થી 2024ના પાંચ વર્ષના ગાળામાં રોકાણકારોએ આરએમજીમાં અંદાજે એક અબજ ડોલર જેટલું રોકાણ કર્યું છે જે હવે જોખમમાં મુકાઈ ગયું છે.
2020માં આ ક્ષેત્રએ 13.54 કરોડ ડોલરનું ભંડોળ પ્રાપ્ત કર્યું હતું જે 2021માં ત્રણ ગણું વધી 45 કરોડ ડોલર જોવા મળ્યું હતું. જો કે ત્યારબાદ 2022માં ભંડોળ પ્રાપ્ત થવાની માત્રા ઘટી 33.20 કરોડ ડોલર, 2023માં 2.06 કરોડ ડોલર તથા 2024માં 1.95 કરોડ ડોલર પર આવી ગઈ હતી. છેલ્લા ચાર-પાંચ વર્ષમાં ગેમિંગ કંપનીઓએ જંગી માત્રામાં ભંડોળ પ્રાપ્ત કર્યું હોવાનું એક રિસર્ચ પેઢીના રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. આરએમજી એક એવી ગેમ છે જેમાં વપરાશકારો નાણાંકીય વળતર માટે સ્કીલ આધારિત રમતોમાં ભાગ લે છે. માટે આ ખરડો ગેમિંગ કંપનીઓ અને વપરાશકારો બન્નેને સીધી રીતે અસર કરતો હોવાનું પણ રિપોર્ટમાં જણાવાયું છે. લોકસભા બાદ રાજ્યસભામાં પણ આ ખરડો પસાર થઈ જતા આરએમજીમાં રોકાણ કરનારી કંપનીઓના ઈન્વેસ્ટમેન્ટ જોખમમાં મુકાઈ ગયા છે. દરમિયાન સૂચિત પ્રતિબંધની અન્ય એક અસર ઑનલાઈન પેમેન્ટ પ્લેટફોર્મ્સ પર પણ પડશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. ઑનલાઈન સટ્ટાની ગેમ પર સૂચિત પ્રતિબંધથી પેમેન્ટ કંપનીઓ જેઓ પોતાના પ્લેટફોર્મ્સ મારફત વ્યવહારની સવલત પૂરી પાડે છે તેમને આવકમાં મોટો ફટકો પડવાની શકયતા વ્યકત કરવામાં આવી રહી છે. પેમેન્ટ કંપનીઓની આવકમાં ગેમિંગ ઉદ્યોગનો હિસ્સો 10 ટકા જેટલો છે ત્યારે દેશમાં ઑનલાઈન સટ્ટાની ગેમના કદને જોતા પેમેન્ટ કંપનીઓને મોટો માર પડશે એમ એક પેમેન્ટ કંપનીના સુત્રોએ જણાવ્યું હતું. મોટી પેમેન્ટ કંપનીઓ ઑનલાઈન ગેમિંગ ઉદ્યોગમાં મોટો વેપાર ધરાવે છે.