જિલ્લા કલેક્ટરે ફેબ્રુઆરી 2025 સુધી જાહેરનામું લાગું કર્યું
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર શહેરમાં રખડતા ઢોરના વધતા ત્રાસને નિયંત્રિત કરવા માટે પોરબંદર જિલ્લા કલેક્ટરે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. પોરબંદર-છાંયા નગરપાલિકા વિસ્તારમાં જાહેરમાં ઘાસચારાનું વેચાણ તથા પશુઓ માટે જાહેરમાં ઘાસચારો મૂકવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કોઈ આ નિયમનું ઉલ્લંઘન કરશે તો તેના સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા મેજીસ્ટ્રેટ એસ.ડી. ધાનાણીએ 24 સપ્ટેમ્બર, 2003ના રોજ ઘાસચારા અંગે પ્રચારિત જાહેરનામું રદ કર્યું છે. હવે નવા જાહેરનામા અનુસાર જાહેર રસ્તાઓ, ફુટપાથ, અને અન્ય જાહેર સ્થળોએ ઘાસચારો વેચવા કે રખડતા ઢોર માટે મૂકવા માટે કડક પ્રતિબંધ અમલમાં મૂકાયો છે. આ જાહેરનામું 4 ડિસેમ્બર, 2024 થી 1 ફેબ્રુઆરી, 2025 સુધી અમલમાં રહેશે.
- Advertisement -
આ દરમિયાન કોઈપણ વ્યક્તિ જાહેરમાં ઘાસચારો રાખે કે વેચે તો ગુજરાત પોલીસ અધિનિયમ- 1951ની કલમ 131 હેઠળ તેને દંડિત કરવામાં આવશે. પોરબંદર શહેરમાં ફુટપાથ અને રસ્તાઓ પર રખડતા ઢોરના કારણે જનજીવન પર થતો પ્રભાવ સરકાર માટે ગંભીર ચિંતાનો વિષય બની રહ્યો છે. જાહેરનામું અમલમાં મુકવા પાછળ મુખ્ય ઉદ્દેશ શહેરવાસીઓને સુરક્ષિત અને સ્વચ્છ વાતાવરણ પ્રદાન કરવાનો છે. શહેરવાસીઓને આ નિયમનું પાલન કરવાની અપીલ સાથે જનજાગૃતિ લાવવા પણ જિલ્લા તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કોઈપણ પ્રકારના પશુઓના ત્રાસથી બચવા માટે પ્રજાએ સહકાર આપવો અનિવાર્ય છે.
આ જાહેરનામું પોરબંદરના શહેરી વિસ્તારમાં પશુ ત્રાસને અટકાવવા માટે મજબૂત પગલું સાબિત થશે અને જનજીવન સુધારવામાં મદદરૂપ થશે.