દલવાડી સર્કલ, રવાપર ચોકડી અને ભક્તિનગર રૂટ પર સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી અવરજવર બંધ: તા. 27-12-2025 સુધી અમલ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.30
મોરબી શહેરમાં વાહનોની સંખ્યામાં થયેલા વધારા અને તેના કારણે સર્જાતી ટ્રાફિકની ગીચતાને હળવી કરવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી કે. બી. ઝવેરી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને ભારે વાહનોની અવરજવર પર નિયંત્રણો લાદવામાં આવ્યા છે.
શહેરના સુચારુ ટ્રાફિક સંચાલન અને નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, નીચે દર્શાવેલા ત્રણ મુખ્ય માર્ગો પર તા. 27-12-2025 સુધી દરરોજ સવારના 08:00 કલાકથી રાત્રીના 22:00 કલાક (રાત્રે 10 વાગ્યા) સુધી ભારે વાહનોને પસાર થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે:
દલવાડી સર્કલથી લીલાપર ચોકડી સુધી.
રવાપર ગામથી રવાપર ચોકડી થઈ લીલાપર ચોકડી સુધી.
ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી.
જોકે, નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે કેટલાક આવશ્યક વાહનોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ જાહેરનામું ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના વાહનો (ૠજછઝઈ), સરકારી વાહનો, ફાયર ફાઇટર, સ્કૂલ/કોલેજના વાહનો, ઇમરજન્સી વાહનો, આવશ્યક ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલા તમામ વાહનો તેમજ પૂર્વ મંજુરી મેળવેલ વાહનોને લાગુ પડશે નહીં.
જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ જાહેરનામાનો ભંગ કરવો શિક્ષાને પાત્ર છે.



