મહિલા 90% દાઝતા ગંભીર, પતિએ કહ્યું- હું સૂતો હતો, મારી પત્ની સળગતી’તી, ઘરવખરી ખાખ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના જામનગર રોડ પર ડાંગર કોલેજ પાછળ હાઉસિંગ આવાસ યોજનાના એક ક્વાર્ટરમાં ગેસનો બાટલો લીક થતા ભીષણ આગ લાગી હતી. આથી સ્થાનિક લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં દંપતી ગંભીર રીત દાઝ્યું હતું. બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલના બર્ન્સ વિભાગમાં ખસેડાયા છે. મહિલા મધુબેન દિનેશભાઈ પરમાર (ઉં.વ.50) 90 ટકા દાઝી જતા હાલત ગંભીર છે. જ્યારે ઇજાગ્રસ્ત પતિ દિનેશભાઇએ જણાવ્યું હતું કે, હું સૂતો હતો અને અચાનક ધડાકો થયો, મારી પત્ની સળગેલી હાલતમાં રૂમની અંદર અને બહાર આવ-જા કરતી હતી. ઘરની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે.
- Advertisement -
આજે સવારે મધુબેન ઉઠ્યા ત્યારે ગેસનો બાટલો લીક થયો હતો. ગેસ ઘરમાં પ્રસરી ગયો હતો અને લાઈટની સ્વિચ ચાલુ કરતા વિકરાળ આગ લાગી હતી. આગની ઝપેટમાં મધુબેન આવી ગયા હતા અને 90 ટકા શરીર દાઝી ગયું હતું. પત્નીની ચીચીયારીથી રૂમમાં સૂતેલા પતિ દિનેશભાઈ જાગી ગયા હતા અને મધુબેનના શરીરે લાગેલી આગ ઠારી હતી. પરંતુ દિનેશભાઇ પણ હાથના ભાગે દાઝી ગયા હતા. ભીષણ આગથી સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. બાદમાં સ્થાનિક લોકોએ દંપતીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યું હતું. દિનેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રચંડ ધડાકાથી ઘરના બારી-દરવાજા પણ તૂટી ગયા છે. ઘરમાં એક પણ વસ્તુ બચી નથી. મારો દીકરો નીચે હોવાથી તે બચી ગયો છે. નહીંતર એ પણ આગની લપેટમાં આવી જાત. બટાલાનો અવાજ થયો હતો. મને હાથના ભાગે ચામડી ઉખડી ગઈ છે. જયારે મારી પત્નીના વાળ બળી ગયા છે અને મોઢે, હાથ-પગ સહિત આખા શરીરે ગંભીર રીતે દાઝી ગઈ છે. બે મહિના પહેલા જ રહેવા ગયા હતા.