રાજકોટ બાર એસો. ચૂંટણીનું પરિણામ
79 મતથી જીત મેળવી ત્રીજી વાર બન્યા પ્રમુખ બકુલ રાજાણી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સહિત રાજ્યભરની બાર એસોસીએશનની શુક્રવારે ચૂંટણી યોજાઈ હતી. જેમાં સવારે 9 વાગ્યાથી શરૂ થયેલ ચૂંટણી પ્રક્રિયા બાદ મોડી રાત્રે 2 વાગ્યે મત ગણતરી પૂર્ણ થઇ હતી. રસાકસી ભર્યા માહોલ વચ્ચે ભાજપ લીગલ સેલની સમરસ પેનલના કમલેશ શાહને પરાજય અપાવી એક્ટિવલ પેનલના બકુલ રાજાણીએ 79 મતથી જીત મેળવી ત્રીજી વખત પ્રમુખ બન્યા હતા. જ્યારે ઉપપ્રમુખ પદ માટે સમરસ પેનલના સુરેશ ફળદુ અને એક્ટિવ પેનલના સિધ્ધરાજસિંહ જાડેજા વચ્ચે માત્ર આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ મતોનો તફાવત હોવાથી રી-કાઉન્ટિંગની માંગ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીમાં પ્રમુખ ઉપપ્રમુખ સહિત 16 હોદા ઉપર 44 ઉમેદવારોએ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું હતું. તેમાં 64.47% મતદાન સાથે 2,292 વકીલોએ મતદાન કર્યું હતું.
રાજકોટ બાર એસોસિયેશનની રસાકસીભરી ચૂંટણીમાં મોડીરાત્રે 2 વાગ્યે મત ગણતરી પૂર્ણ થતા ભાજપ લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલના કમલેશ શાહને હરાવી એક્ટિવ પેનલના બકુલ રાજાણી 79 મતથી જીત મેળવી ત્રીજી વખત પ્રમુખ બન્યા છે. મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી શરૂ થતાની સાથે જ પ્રથમથી જ બકુલ રાજાણી અને કમલેશ શાહ વચ્ચે રસાકસી ભર્યો માહોલ જોવા મળતો હતો. પહેલેથી જ બકુલ રાજાણી આગળ ચાલતા હતા અને અંતે 79 મતથી જીત મેળવી એક્ટિવ પેનલના ઉમેદવાર બકુલ રાજાણીને પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
રાજકોટ બાર એસોસીએશનના પ્રતિષ્ઠાભર્યા ચૂંટણી જંગમાં પ્રમુખ પદ માટે ત્રણ દાવેદારો મેદાનમાં હતા. જેમાં ભાજપ લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલના કમલેશ શાહ અને એક્ટિવ પેનલના બકુલ રાજાણી વચ્ચે સીધો જંગ જામ્યો હતો સાથે જ આ ચૂંટણીમાં પ્રમુખ પદ માટે સિનિયર ધારાશાસ્ત્રી હરીસિંહ વાઘેલા પણ મેદાનમાં ઉતર્યા હતા. જોકે, અંતે 79 મતથી બકુલ રાજાણીનો વિજય થતા તેઓ પ્રમુખ બન્યા છે. ઉપપ્રમુખ, સેક્રેટરી અને લાયબ્રેરી સેક્રેટરીના હોદા માટે બે-બે દાવેદારો, જોઈન્ટ સેક્રેટરી માટે ત્રણ, ટ્રેઝરરમાં ચાર અને મહિલા કારોબારીમાં ત્રણ દાવેદારો તેમજ કારોબારીમાં નવ સભ્યની સંખ્યા માટે 23 ઉમેદવારો મેદાને હતા. આમ કુલ 16 પદ માટે 43 વકીલ ઉમેદવારો વચ્ચે પ્રતિષ્ઠાભર્યો ચૂંટણી જંગ જામ્યો હતો.
રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ પદ પર એક્ટિવ પેનલના બકુલ રાજાણી, ઉપપ્રમુખ પદ પર સમરસ પેનલના સુરેશ ફળદુ, સેક્રેટરીમાં સમરસ પેનલના પી.સી.વ્યાસ, જોઈન્ટ સેક્રેટરીમાં સમરસ પેનલના જયેન્દ્ર ગોંડલીયા, ટ્રેઝરરમાં સમરસ પેનલના રાજભા ઝાલા, લાઈબેરી સેક્રેટરીમાં સમરસ પેનલના મેહુલ મહેતા અને મહિલા અનામતમાં સમરસ પેનલના રેખાબેન લીંબસીયાની જીત થવા પામી છે. આ ઉપરાંત કારોબારી સભ્યોમાં સમરસ પેનલના અજયસિંહ ચૌહાણ, રણજીત મકવાણા, ભાવેશ રંગાણી, નિકુંજ શુક્લ, અમિત વેકરીયા અને કૌશલ વ્યાસ તેમજ એક્ટિવ પેનલના હિરલબેન જોષી, અજય પીપળીયા, પિયુષ સખીયાની જીત થવા પામી છે.