શિક્ષક જગતને શર્મસાર કરતી ઘટના રાજકોટના વાછકપર બેડી ગામે બની હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.6
શિક્ષક જગતને શર્મસાર કરતો એક બનાવ રાજકોટના વાછકપર બેડી ગામે બન્યો હતો. જ્યાં સરકારી શાળાના શિક્ષકે વિદ્યાર્થિનીઓને બીભત્સ વીડિયો બતાવી શારીરીક અડપલાં કર્યાં હતા. આ ગુનામાં આરોપી કમલેશ અમૃતિયાની જામીન અરજી કોર્ટે ફગાવી દેતા તેનો જેલવાસ લાંબાયો છે.આ કેસની વિગત એવી છે કે, વાછકપર (બેડી) ગામમાં આવેલ વાછકપર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા આરોપી કમલેશ અમૃતિયાએ શાળામાં ધો. 5 અને 6મા અભ્યાસ કરતી 10 થી 12 વર્ષની સગીરાઓને તા. 17/12/2024ના રોજ શાળાની જગ્યામાં પોતાના મોબાઈલ ફોનમાં ન્યુડ વીડિયો બતાવી પોતાના કપડા ઉતારી, શારીરિક અડપલાં કર્યાં હતા. વાલીઓને આ બનાવની તા.1/1/2025 ના રોજ જાણ થઈ. આ અંગે ભારે વિવાદ ચાલ્યા પછી તા.6/1/2025 ના રોજ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં કમલેશ અમૃતિયા વિરુદ્ધ બી.એન.એસ. ની કલમ-295, 75(2) તથા પોકસો એકટની કલમ-12 મુજબ ગુનો નોંધેલ અને આરોપીની ધરપકડ કરેલ અને જેલ હવાલે કરેલ હતો.જેલમાંથી આરોપીએ સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન કરી હતી. જેથી ફરીયાદપક્ષના વકીલ વૈભવ કુંડલીયા જામીન અરજી સામે લેખીત વાંધાઓ રજુ કરેલ. સરકારી વકીલની દલીલો, મુળ ફરીયાદીપક્ષના વકીલની દલીલોને તથા આરોપીપક્ષની વકીલની દલીલોને ધ્યાનમાં લઈને આરોપી શિક્ષકની રેગ્યુલર જામીન અરજી નામંજુર કરવાનો હુકમ રાજકોટ સેસન્સ કોર્ટ ધ્વારા કરવામાં આવેલ હતો.આ કેસમાં ફરીયાદી વતી વકીલ તરીકે રાજકોટના યુવા એડવોકેટ વૈભવ બી. કુંડલીયા, ગૌરાંગ પી. ગોકાણી, શિવરાજસિંહ જાડેજા, લીગલ આસી. તરીકે જયદિપ ગઢીયા સરકાર વતી સરકારી વકીલ તરીકે દિલીપભાઈ મહેતા રોકાયેલા હતા.