જૂનાગઢ ઉઢજઙ ધાંધલિયાની સજાગતાથી જામીન રદ થયા
ત્રણ આરોપીઓ વિરુદ્ધ કુલ 41 ગુના નોંધાયા છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
જૂનાગઢ શહેરના ધારાગઢ દરવાજા પાસે રહેતા અને કુખ્યાત ગુનાહિત ઇતિહાસ ધરાવતા મોહસીન ઉર્ફે હોલે હોલે ફીરોજ મલેકના ગુજસીટોક હેઠળ મેળવેલા નિયમિત જામીન રાજકોટની સ્પેશિયલ કોર્ટે રદ કરી દીધા છે. જામીન રદ થયા બાદ મંગળવારે એસઓજી પીઆઇ આર. કે. પરમારની ટીમે ગણતરીના કલાકોમાં મોહસીન ઉર્ફે હોલે હોલે સહિત ખંડણીના કેસમાં સંડોવાયેલા અન્ય બે સાગરીતોને સુરેન્દ્રનગર જિલ્લામાંથી દબોચી લીધા હતા.
મોહસીન ઉર્ફે હોલે હોલે, અકરમ ઉર્ફે પટેલ ઇકબાલ જેઠવા, સોહીલ જમાલ શેખ, સરફરાજ ઉર્ફે ડાબરો ગુલામનબી બુખારી અને શાહરૂખ ઉર્ફે બાપુની ટોળકી સામે સને 2022માં સી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુજસીટોકનો ગંભીર ગુનો નોંધાયો હતો. ગેંગ લીડર મોહસીન ઉર્ફે હોલે હોલે ત્રણ વર્ષ જ્યુડિશિયલ કસ્ટડીમાં રહ્યા બાદ તેને હાઇકોર્ટે શરતી જામીન આપ્યા હતા. પરંતુ જામીન પર મુક્ત થયા બાદ આરોપીએ ફરીથી ગંભીર પ્રકારના ગુના આચરીને જામીનની શરતોનો ભંગ કર્યો હતો. આથી, તપાસનીશ ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ પુરાવાઓ એકત્ર કરીને ગુજસીટોક કોર્ટ, રાજકોટ સમક્ષ મોહસીન ઉર્ફે હોલે હોલેના જામીન રદ કરવા અરજી કરી હતી. સ્પેશિયલ પબ્લિક પ્રોસીક્યુટર તુષાર ગોકાણીની દલીલો અને પોલીસના પુરાવાને ધ્યાનમાં લઈને કોર્ટે કડક વલણ અપનાવી મોહસીન ઉર્ફે હોલે હોલેના જામીન રદ કરવાનો હુકમ કર્યો હતો અને તેની ધરપકડ કરી જેલ હવાલે કરવા ધરપકડ વોરંટ પણ ઇશ્યુ કર્યું હતું.
- Advertisement -
કોર્ટના હુકમ બાદ એસઓજીની ટીમે આરોપીને પકડી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચ સાથે સંકલન સાધીને અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે બાતમી મળી હતી કે મોહસીન ઉર્ફે હોલે હોલે તથા તેની સાથે ખંડણી માંગવાના કેસમાં સંડોવાયેલા અન્ય બે સાગરીતો જેલ રોડ વિસ્તારનો રમીઝખાન ઉર્ફે ભાવનગરી યુસુફખાન પઠાણ અને ધારાગઢ દરવાજાનો સિરાજ બોદુ ઠેબા સુરેન્દ્રનગર જિલ્લાના ગેડિયા ગામના વાડી વિસ્તારમાં છુપાયેલા છે. આ બાતમીને આધારે એસઓજીની ટીમે ત્રણેય આરોપીઓને પકડી લીધા હતા. એસઓજીએ પકડાયેલા આરોપીઓ પાસેથી રૂ. 70,000ની કિંમતના 3 મોબાઈલ ફોન, એક કાર અને રાઉટર સહિત કુલ રૂ. 10.71 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓન ગુનાહિત ઇતિહાસમાં ફેઝલ ઉર્ફે મોહસીન ઉર્ફે હોલે હોલે સામે ખંડણી, દારૂ, એટ્રોસિટી, ચોરી, મારામારી અને ધાકધમકી સહિત 31 ગુના નોંધાયેલા છે, રમીઝખાન ઉર્ફે ભાવનગરી તેની સામે 8 ગુના નોંધાયેલા છે અને સિરાજ બોદુ વિરુદ્ધ 2 ગુના નોંધાયેલા છે.



