સગીરાને દુષ્કર્મ ગુજારવાના ગુનામાં મદદગારીના આરોપી અજય સાંબડને સ્પે. પોક્સો કોર્ટે રેગ્યુલર જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરના સંતકબીર રોડ વિસ્તારની 17 વર્ષની સગીર પુત્રી પર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં મદદગારીના આરોપસર પકડાયેલા આરોપીને રાજકોટની સ્પે. પોક્સો કોર્ટે જામીન પર મુક્ત કરવાનો હુકમ ફરમાવ્યો છે.
આ કેસમાં ભોગ બનનાર સગીરાના પિતાએ થોરાળા પોલીસ સ્ટેશનમાં મુખ્ય આરોપી વિભો ભરવાડ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપી અજય વાઘાભાઈ સાંબડ પર મુખ્ય આરોપીને મદદગારી કરવાનો અને દુષ્કર્મ દરમિયાન ગાડી પાસે ધ્યાન રાખવાનો આરોપ હતો. આ આરોપીની પોલીસે તા. 05/10/2025ના રોજ ધરપકડ કરી હતી અને તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. આરોપી અજય સાંબડ દ્વારા જામીન પર છૂટવા માટે રાજકોટની સ્પે. પોક્સો કોર્ટમાં અરજી ગુજારવામાં આવી હતી. આ જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષકારો વચ્ચે થયેલી દલીલો, રજૂઆતો તેમજ પોલીસ તપાસના કાગળો અને આરોપીના બચાવમાં રજૂ કરવામાં આવેલા હાઇકોર્ટ-સુપ્રીમ કોર્ટના જુદા જુદા ચુકાદાઓને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.
નામદાર સ્પે. પોક્સો કોર્ટે તમામ હકીકતો લક્ષમાં લઈ આ કામના ઉપરોક્ત આરોપી અજય વાઘાભાઈ સાંબડને રેગ્યુલર જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ ફરમાવ્યો છે. આ કામમાં આરોપી વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, રણજીત બી. મકવાણા સહિતના વકીલો રોકાયેલા હતા.



