બન્ને દિગ્ગજ ખેલાડી ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં જ બહાર ફેંકાઈ ગયા
ભારતની અનુભવી બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલ અને કિદામ્બી શ્રીકાંતનું ખરાબ પ્રદર્શન યથાવત છે અને બન્ને સીઝનની પહેલી ટૂર્નામેન્ટ મલેશિયા ઓપનના પ્રથમ રાઉન્ડમાં જ હારીને બહાર થઈ ગયા છે. વર્ષ 2022માં ખરાબ ફોર્મ અને ઈજા સામે ઝઝૂમનારી લંડન ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા સાઈનાને ચીનની હાન યૂઈએ 21-12, 17-21, 21-12થી હરાવ્યું હતું. ટૂર્નામેન્ટના પહેલા દિવસે ભારત માટે ગાયત્રી ગોપીચંદ અને ત્રિશા જૉલીની મહિલા યુગલ જોડી જ જીત મેળવી શકી હતી.
- Advertisement -
કૉમનવેલ્થ ગેમ્સ-2022માં બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતીય જોડીએ યેઉંગ ઉનગા ટીંગ અને યેઉંગ પુઈ લેમની હોંગકોંગની જોડીને 21-14, 21-19થી હરાવીને પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી છે. વિશ્વ રેન્કીંગમાં 30મા સ્થાને પહોંચી ચૂકેલી સાઈનાએ પહેલી ગેમ જીત્યા બાદ વાપસી કરી અને મહિલા સિંગલ મેચને નિર્ણાયક ગેમમાં ખેંચી હતી.
જો કે હાને બે વારની કૉમનવેલ્થ ગેમ્સની ચેમ્પિયન સાઈનાને ત્રીજા અને નિર્ણાયક મુકાબલામાં કોઈ તક આપ્યા વગર બહારનો રસ્તો બતાવ્યો હતો. દુનિયાના પૂર્વ નંબર વન ખેલાડી શ્રીકાંતને જાપાનના નોન રેન્કીંગ ખેલાડી કેન્તા નિશિમોતોએ 21-19, 21-14થી હરાવ્યો હતો. શ્રીકાંત માત્ર 42 મિનિટમાં જ હાર્યો હતો.
હવે આજે બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પી.વી.સિંધુ પોતાની પહેલી મેચમાં કૈરોલિન મારિન સામે ટકરાશે જ્યારે લક્ષ્ય સેન-એચએસ પ્રણય પણ અંતિમ-16માં જગ્યા બનાવવા માટે ઉતરશે. પુરુષ ડબલ્સમાં સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી પણ કોર્ટમાં ઉતરશે.