છેલ્લા સાડા ત્રણ મહિનાથી થિયેટર હોલમાં બંધ ખુરશીઓ રવિવારે જાણે આળસ મરડીને બેઠી થઇ હતી. પડદા પણ થિયેટરમાં લોકોને જોઇને જાણે હરખાઇ રહ્યા હતા. થિયેટર સંચાલકો અને થિયેટર સાથે જોડાયેલા લોકોના ચહેરા પર આછુ ખુશીનું સ્મિત છે પણ એ ક્યાં સુધી રહેશે ? એ કહી શકાય તેમ નથી. કારણ કે કોરોનાને કારણે સિનેમા પર લાગેલુ ગ્રહણ દૂર તો થયુ પણ પ્રેક્ષકો સિનેમાથી વિમુખ થયા છે. ઉપરથી નવા પિક્ચરો નથી અને રાત્રિ શો થઇ શકે તેમ નથી. રવિવારે સુરતમાં માંડ એક-બે થિયેટરો ખૂલ્યા હતા. જો કે તેમાપણ પ્રેક્ષકોની ખુબ જ પાંખી હાજરી હતી.
16 માર્ચથી બંધ થિયેટરો ખુલવાની છૂટછાટ મળતા થિયેટર વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં એક રીતે ખુશી તો છે તેમ છતાં પહેલા દિવસે શહેરના મોટા ભાગના 98 ટકા થિયેટરો બંધ જ રહ્યા હતા. કોરોનાનો ડર હજુ પણ યથાવત છે. શહેરમાં એક-બે થિયેટર ખૂલ્યા છે અને તેમાં પણ આંગળીના વેઢે ગણી શકાય એટલા દર્શકો. તો કેટલાક શો કેન્સલ પણ કરવા પડયા હતાં. 50 ટકા છૂટછાટ સરકારે આપી છે પણ કદાચ 100 ટકા છૂટછાટ મળે તો પણ હાલ 10 થી 20 ટકા જેટલા લોકો જ થિયેટરમાં પ્રવેશે એવી સ્થિતી છે. માહિતી મુજબ જુલાઇનાં છેલ્લા સપ્તાહ સુધી સુરતના મલ્ટીપ્લેક્ષ ચાલુ થાય એવુ લાગી રહ્યુ નથી. જેના કારણોમાં નવા પિક્ચર નથી મળતા અને ડિસ્ટ્રીબ્યુટરની ડિટેઇલ નથી આવી રહી. ડિસ્ટ્રીબ્યુટર્સ મુંબઇમાં છે અને મુંબઇની સ્થિતી હજી સારી નથી. તેમજ રાત્રિનો ઇન્કમ કરાવી આપે એવો શો કરફ્યુના કારણે બંધ રહે એટલે આમદની અઠ્ઠની ખર્ચા રૃપૈયા જેવો ઘાટ થાય તેમ છે. થિયેટરનું મેઇન્ટનેસ પણ ખુબ હેવી હોવાથી સંચાલકો હમણા ધીરજ રાખવાના મતમાં છે. સૌથી મોટો ડર ત્રીજી લહેરનો છે, જો ત્રીજી લહેર આવે અને ફરી થિયેટરો બંધ થાય તો હાલત અત્યંત કફોડી થઇ જાય છે. મલ્ટીપ્લેક્સના એક સંચાલકે કહ્યુ કે, હવે આ ઇન્ડસ્ટ્રીઝ મરણ પથારીએ આવી ગઇ છે. ખુબ કપરા સમયમાંથી પસાર થઇ રહી છે. કમર એવી ભાંગી ગઇ છે કે સીધી થાય એમ નથી.
- Advertisement -
આ વ્યવસાયને ટકાવી રાખવા માટે સરકારે ખાસ રાહત પેકેજ આપવુ પડે એવી હાલત છે. જો કે સરકારે વેરોમાં તો રાહત આપવાની જાહેરાત કરી છે પણ લાઇટબિલ અને જીએસટીમાં પણ રાહત મળે એવુ સંચાલકો ઇચ્છે છે. થિયેટર સાથે જોડાયેલા 10,000 જેટલા લોકોની હાલત પણ કપરી બની છે. સુરતમાં 15 જેટલા થિયેટરો સહિત 65થી વધુ સ્ક્રીન છે. જેની અંદાજિત ૧૦થી ૧૨ હજાર જેટલી બેઠક છે. એક અંદાજ મુજબ સુરત સિનેમાને ડેઇલી રૃ.40 લાખથી વધુની આવક હતી. લોકડાઉન બાદ એ આવક બંધ થઇ ગઇ. વચ્ચે તા-16મી ઓક્ટોબરથી 16 માર્ચ સુધી થિયેટરો ખુલ્યા પણ એ સમયે નવા પિક્ચર ન હોવાના કારણે ખાસ ફાયદો થયો ન હતો. કેટલાકને તો નુકસાની થઇ હતી. ત્યારબાદ ફરી સાડા પાંચ મહિના બંધ રહ્યા. એ ગણતરી મુજબ 16 મહિનામાં સુરત સિનેઉદ્યોગને અંજાદિત 150 કરોડનો ફટકો લાગ્યો છે.
સુરત મલ્ટીપ્લેક્સ એસોસીએશનનાં સભ્ય હસમુખભાઇએ જણાવ્યું કે, હજુ એસોસીએશનની મિટીંગ મળી નથી. મીટીંગ બાદ નક્કી થશે કે ક્યારે થિયેટર ખોલવા. આગામી સાત-આઠ દિવસોમાં મિટીંગ દરમિયાન ભેગા મળીને નિર્ણય લેવાશે.
ઓટીટી પ્લેટફોર્મના કારણે મલ્ટીપ્લેક્સને મોટું નુકસાન થઇ રહ્યુ છે. મોટા બેનરની ફિલ્મો પણ ઓટીટી પર રીલીઝ થઇ જાય તો થિયેટરો કઇ રીતે શ્વાસ લે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની પણ ભૂલ છે કે આવી ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મને વેચી દે છે. ફિલ્મો મળે અને લાઇનથી મલે તો થિયેટર ચાલુ થઇ શકે. બાકી ઓગષ્ટ આવી જાય તો પણ કંઇ કહી શકાય નહીં એવું એક મલ્ટીપ્લેક્સ સંચાલકે કહ્યુ હતુ.