રામમંદિરના ગર્ભગૃહનું નિર્માણ કાર્ય 2023 સુધીમાં પૂર્ણ થવાની ગણતરી
ખાસ-ખબર સંવાદદાતા
સીએમ યોગી આદિત્યનાથે રામ મંદિરને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરી છે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે રાજસ્થાન ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં પોતાના સંબોધન વખતે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરનું 50% થી વધુ નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, 2024માં મકર સંક્રાંતિના દિવસે ભગવાન રામની મૂર્તિ મંદિરના ગર્ભગૃહમાં પધરાવવામાં આવે તેવી સંભાવનાઓ છે જ્યારે 2020માં શરૂ થયેલું મંદિરનું બાંધકામ 2024ના અંત સુધીમાં સંપૂર્ણ થવાની શક્યતાઓ છે. અહેવાલો મુજબ રાજસ્થાન આવેલા યુપીના સીએમ યોગી આદિત્યનાથે રામ મંદિરને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરી અને જણાવ્યું હતું કે રામ મંદિરનું 50 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. યોગી આદિત્યનાથ ગુરુવારે જયપુરના બિરાટનગરમાં આચાર્ય ધર્મેન્દ્રના અનુગામી સ્વામી સોમેન્દ્રના ચાદરપોશી કાર્યક્રમમાં સંબોધન આપી રહ્યા હતા. કાર્યક્રમમાં યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, આચાર્ય ધર્મેન્દ્રની તેજ છત્રપતિ શિવાજી જેટલી જ ઉગ્ર હતી. તેમણે દેશની જૂની અને ધાર્મિક પરંપરાને આગળ ધપાવી હતી.
- Advertisement -
આચાર્ય ધર્મેન્દ્રએ વિશ્વ હિન્દુ પરિષદના નેતૃત્વમાં રામ મંદિર આંદોલનને વેગ આપ્યો હતો. અન્ય એક મીડિયા અહેવાલ મુજબ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, શ્રી પંચખંડ પીઠે હંમેશા તમામ સામાજિક અને ધાર્મિક આંદોલનોમાં અગ્રેસર ભૂમિકા ભજવી છે. ભારતના વિભાજનના વિરોધમાં દેશના આદરણીય સંતોની આગેવાની હેઠળના આંદોલનમાં પણ આ પીઠે મહત્વની ભૂમિકા ભજવી હતી. મહાત્મા રામચંદ્ર વીરજી મહારાજ અને સ્વામી આચાર્ય ધર્મેન્દ્રજી મહારાજ આંદોલનમાં જોડાયા હતા. આઝાદી પછી જ્યારે પણ યુદ્ધો લાદવામાં આવ્યા ત્યારે દેશના હિતમાં નાગરિક તરીકે આપણી જવાબદારી શું હોવી જોઈએ. તેના વિસર્જન માટે સંતોના નેતૃત્વમાં જનજાગૃતિ અભિયાન ચાલી રહ્યું હતું, જેમાં પીઠના લોકો ઉત્સાહભેર ભાગ લેતા હતા.