કોવિડ-૧૯ની મહામારી દરમિયાન કઈ રીતે માનસિક શાંતિ મેળવવી: રામકૃષ્ણ આશ્રમ દ્વારા યોજાયેલા ઓનલાઈન આંતરષ્ટ્રીય પરિસંવાદ શ્રેણીને અદ્ભુત પ્રતિસાદ
બાવીસ દેશના સેંકડો લોકો ઓનલાઈન જોડાયા
કોરોનાની મહામારીએ છેલ્લા દોઢ વર્ષથી સમગ્ર વિશ્વને ભરડો લીધો છે ત્યારે સૌ કોઈ તેનાથી વ્યગ્રતા, હતાશા અને તાણ અનુભવી રહ્યા છે. તેને અનુલક્ષીને રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા કોવિદ ૧૯ મહામારી દરમિયાન કઈ રીતે માનસિક શાંતિ મેળવવી એ વિષય પર સાત દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ એકથી સાત જુલાઈ દરમિયાન રોજે રાત્રે આઠથી નવ દરમિયાન આ પરિસંવાદ યોજાતો હતો.
પ્રથમ દિવસે રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપપ્રમુખ સ્વામી ગૌતમાનંદજીએ પ્રાસંગિક ઉદ્દબોધન બાદ ‘પીસ ઓફ માઈન્ડ થ્રુ પોઝીટીવ થીંકીંગ’ વિષય પર વક્તવ્ય આપ્યું હતું. અમેરિકાથી બીજા દિવસે વેદાંત સોસાયટી ઓફ ન્યુયોર્કના કાર્યકારી મંત્રી સ્વામી સર્વપ્રિયાનંદજીએ ‘હાઉ ટુ ઓબ્ટેઇન પીસ ઓફ માઈન્ડ ઇન કોવિદ ૧૯ પેન્ડેમિક’ વિષય પર પ્રવચન આપ્યું હતું . ત્રીજા દિવસે વિવેકાનંદ વેદાંત સોસાયટી ઓફ શિકાગોના કાર્યકારી મંત્રી સ્વામી ઇષ્ટાત્માનંદજીએ ‘ધીસ શેલ ઓલ્સો પાસ’ વિષય પર સંબોધન કર્યું હતું. ચોથા દિવસે વેદાંત સોસાયટી ઓફ ટોરંટોના કાર્યકારી મંત્રી સ્વામી કૃપામયાનંદજીએ ‘હાઉ ટુ રીટેઈન પીસ ઓફ માઈન્ડ વ્હેન નીઅર વન ડાઈઝ’ વિષય પર માર્ગદર્શન આપ્યું હતું. જયારે પાંચમા દિવસે રામકૃષ્ણ વેદાંત સેન્ટર,યુકે ના કાર્યકારી મંત્રી સ્વામી સર્વસ્થાનંદજીએ ‘ટ્રેડીશનલ મેથડ ઓફ સ્ટ્રેસ મેનેજમેન્ટ વિષય પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. છઠ્ઠા દિવસે રામકૃષ્ણ વેદાંત આશ્રમ બ્રાઝિલના કાર્યકારી મંત્રી સ્વામી નિર્મલાત્માનંદજીએ ‘હાઉ ટુ ઓબ્ટેઈન પીસ ઓફ માઈન્ડ; અને સાતમા દિવસે વેદાંત સોસાયટી સેન્ટ લૂઇસ અમેરિકાના કાર્યકારી વડા સ્વામી ચેતનાનંદજીએ ‘હાઉ ટુ ઓવરકમ ફીઅર’ વિષય પર પ્રવચન આપ્યું હતું.
- Advertisement -
સમગ્ર પરિસંવાદમાં દરેક વક્તવ્યના પ્રારંભે વક્તાનો પરિચય અને અંતે વક્તવ્યનો ટૂંકસાર હિન્દીમાં સ્વામી નિખિલેશ્વરાનંદજીએ આપ્યા હતા. બાવીસ દેશમાંથી ૧૭૪૫ લોકોએ આ પરિસંવાદમાં ઉપસ્થિત રહેવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ સંપૂર્ણ પરિસંવાદ રામકૃષ્ણ આશ્રમની યુટ્યુબ ચેનલ પર હજુ પણ જોઈ શકાશે.


