મુંબઈમાં કુલ 11 કર્મચારીને ‘જી.એમ. સલામતી પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવ્યા
ઓખા-દેહરાદૂન એક્સપ્રેસ ટ્રેનમાં ધુમાડો નીકળ્યો, તાત્કાલિક જાણ કરી મોટી દુર્ઘટના ટાળી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.25
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર વિવેક કુમાર ગુપ્તાએ મુંબઈ સ્થિત મુખ્યાલય ખાતે આયોજિત એક વિશેષ સમારોહમાં વિવિધ ડિવિઝનના કુલ 11 કર્મચારીને ’જી.એમ. સલામતી પુરસ્કાર’ (ૠખ જફરયિું ઊફમિ)થી સન્માનિત કર્યા છે. આ સન્માન એવા કર્મચારીઓને આપવામાં આવ્યું છે, જેણે ઑક્ટોબર, 2025 દરમિયાન પોતાની સતર્કતા અને જવાબદારીપૂર્ણ કામગીરીથી સંભવિત મોટી દુર્ઘટનાઓને ટાળવામાં અને સલામત તથા અવિરત રેલ સંચાલન સુનિશ્ચિત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. સન્માનિત થનાર કર્મચારીઓમાં રાજકોટ ડિવિઝનના ગેટમેન મનીષ કુમાર (ફાટક નંબર 252)નો પણ સમાવેશ થાય છે, જેમણે ઓખા-દેહરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસમાં ધુમાડો જોઈ તાત્કાલિક માહિતી આપીને એક સંભવિત મોટી રેલવે દુર્ઘટનાને ટાળી હતી.
આ સમગ્ર ઘટના 10 ઑક્ટોબર, 2025ના રોજ રાજકોટ ડિવિઝનના ભોપલકા-ભાટેલ સેક્શનમાં સ્થિત ફાટક નંબર 252 પર બની હતી. ગેટમેન મનિષ કુમાર ફાટક પર પોતાની ડ્યુટી પર તૈનાત હતા. લગભગ 11:40 વાગ્યે, જ્યારે ટ્રેન નંબર 19565 (ઓખા-દેહરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ) આ ફાટક પરથી પૂરપાટઝડપે પસાર થઈ રહી હતી, ત્યારે મનીષ કુમારે અસામાન્ય પરિસ્થિતિ જોઈ હતી. મનીષ કુમારે જોયું કે, ટ્રેનના એન્જિનથી ત્રીજા કોચમાંથી અચાનક ધુમાડો નીકળી રહ્યો છે. એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ગેટમેન મનિષ કુમારે તાત્કાલિક તેની ફરજ પ્રત્યેની સતર્કતા દાખવી નજીકના સ્ટેશન માસ્ટર, ભાટેલને આ અંગેની જાણ કરી હતી. તેમની સમયસરની માહિતીના પગલે સ્ટેશન માસ્ટરે તુરંત કાર્યવાહી કરીને અને ટ્રેનને રોકવામાં આવી હતી. આ ટ્રેન રોકાયા બાદ લોકો પાઇલટ અને ટ્રેન મેનેજરે ટેકનિકલ તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં જાણવા મળ્યું કે, કોચ નંબર ઠછ 201214 કજમાં બ્રેક લોક જામ થઈ ગયો છે, જેના કારણે ઘર્ષણ થવાથી ધુમાડો નીકળી રહ્યો હતો અને આગ લાગવાની સંભાવના હતી. જો આ સમસ્યા પર તાત્કાલિક ધ્યાન ન અપાયું હોત તો ટ્રેનમાં મોટી આગ લાગવાની શક્યતા હતી. તેના કારણે મોટી જાનમાલની ખુવારી થાય તેમ હતી. ક્રૂ મેમ્બર્સે તાત્કાલિક બે અગ્નિશામક યંત્રોની મદદ લઈને બ્રેક લોકની સમસ્યાને હલ કરવા માટે જરૂરી સુધારાત્મક કાર્યવાહી કરી હતી. આવા તાત્કાલિક અને અસરકારક પગલાંને કારણે સંભવિત મોટી દુર્ઘટના ટળી હતી.



