મહાપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની હરકત સામે શિક્ષક યુનિયનો, નેતાઓ કેમ મૌન?
શાસનાધિકારીએ ડરાવી ધમકાવી શિક્ષકો પાસેથી પ્રિન્સિપાલ વિરુદ્ધ નિવેદન લીધા
- Advertisement -
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં-93 ફરી એકવાર વિવાદમાં આવી છે. શાળાના પ્રિન્સીપાલ વનીતાબેન રાઠોડને સમિતિએ નોટિસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ પ્રિન્સીપાલ વનીતાબેન રાઠોડ વિરુદ્ધ પગલા લેવાની હિલચાલ પણ ચાલી રહી છે. તા. 25થી 30ની વચ્ચે શાસનાધિકારી અને શિક્ષક સંઘના પ્રમુખે સ્કૂલના શિક્ષકોને ડરાવી ધમકાવી ધરાર વનીતાબેન રાઠોડ વિરુદ્ધ નિવેદન લેવામાં આવ્યા છે. અને શિક્ષકોને એવું કહેવામાં આવ્યું છે કે, સ્કૂલનું સંચાલન શર્વ ફાઉન્ડેશન ખાનગી ટ્રસ્ટને વનીતાબેનના કહેવાથી જ સોંપવામાં આવ્યું છે. જ્યારે વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવીને ધમકાવવામાં આવી રહ્યા છે. શાળા નં-93ને સફળ બનાવનાર રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા આચાર્ય સામે શિસ્તભંગના પગલાં લેવાની પ્રક્રિયા હાથ ધરાયાનું જાણવા મળ્યું છે.
ખાસ-ખબર સંવાદદાતા
સરકારી શાળામાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે દિવસ-રાત જહેમત ઉઠાવીને નોંધનીય કામગીરી કરનાર શાળાના મહિલા આચાર્યને શિરપાવ આપવાના બદલે સજા આપવાની કાર્યવાહી મહાપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના હોદ્દેદારો દ્વારા શરૂ કરવામાં આવ્યાની વાતે શિક્ષણ જગતમાં ચકચાર જગાવી છે.
રાજકોટ મહાપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની નાના મવા રોડ જેવા ઉત્તમ લોકેશન ઉપર આવેલી શાળા નં. 93નું સંચાલન શર્વ ફાઉન્ડેશનને સોંપવા સામે જે-તે સમયે વાલીઓ દ્વારા ઉગ્ર આંદોલન- રજૂઆતો કરવામાં આવ્યા બાદ મ્યુનિ. કમિશનર દ્વારા ટ્રસ્ટ દ્વારા શાળામાં થતી તોડફોડની કામગીરી અટકાવવાની સૂચના આપી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિદેશ પ્રવાસથી પરત આવ્યા બાદ શાળા ટ્રસ્ટને સોંપવાનો વિવાદીત નિર્ણય પરત ખેંચવાની ખાત્રી આપી હતી પરંતુ આ ખાત્રીના પાલનને બદલે એવોર્ડ વિજેતા આચાર્ય સામે પગલાં લેવાની કાર્યવાહી શરૂ થયાનું ચર્ચાય છે.
ઉલ્લેખનીય છે કે આ સરકારી શાળાના આચાર્યની જહેમતના કારણે શાળાની ‘એ’ ગ્રેડમાં ગણના થવા લાગી હતી. વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ માતબર વધારો નોંધાયો છે આમ છતાંય આ શાળાનું સંચાલન ખાનગી ટ્રસ્ટને આપવા નિર્ણય લેવામાં આવ્યો પણ શાળાના આચાર્ય અને વાલીઓની જાગૃતતાના કારણે પારોઠના પગલાં ભરવા પડ્યા હતા.
- Advertisement -
મહિલા આચાર્યને સતત માનસિક ત્રાસ સામે મહિલા આયોગ કેમ મૌન?
વિદ્યાર્થીઓના હિતમાં અવાજ ઉઠાવનાર એવોર્ડ વિજેતા મહિલા આચાર્ય વનિતાબેન રાઠોડને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડીતના ઈશારે શાસનાધિકારી કિરીટસિંહ પરમાર અને શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સાદરીયા દ્વારા સતત માનસિક ત્રાસ અપાતો હોવાની શિક્ષણ જગતમાં વ્યાપક ચર્ચા છે ત્યારે આ મુદ્દે મહિલા આયોગ મેદાનમાં આવે તે જરૂરી હોવાનું ચર્ચાય છે. મહિલા આચાર્યની તરફેણમાં મોટાભાગના વાલીઓ ખુલીને આગળ આવ્યા હતા ત્યારે શહેરના શિક્ષણવિદ્દો અને નેતાઓ પણ આ મામલે સત્યનો સાથ આપે તે જરૂરી છે.
શિક્ષણ સમિતિના ચેરમેન વિદેશમાં, ઈન્ચાર્જ વા.ચેરમેન પાણીમાં બેસી ગયા?
ખાનગી ટ્રસ્ટને શાળાનું સંચાલન સોંપવા બાબતે ભારે હોબાળો થતાં મ્યુ. કમિશનરે એવી ખાત્રી આપી હતી કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિદેશથી પરત આવ્યા બાદ નિર્ણય લેવાશે, પરંતુ ચેરમેન એક માસથી વિદેશ પ્રવાસે છે. પરત ક્યારે આવશે તે નક્કી નથી. ચાર્જમાં રહેલા સમિતિના વાઈસ ચેરમેને આ બાબતે કોઈ પગલાં લેવાના બદલે આચાર્ય સામે પગલાં લેવાની કાર્યવાહી શરૂ કર્યાનું સંભળાય છે.