રવિવારે બપોરે 3થી 5 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આર્ટ ગેલેરીમાં યોજાશે કાર્યક્રમ: એવોર્ડનો મુખ્ય હેતુ આવતી પેઢીને પોતાની સંસ્કૃતિ, લોક કલા અને લોક સાહિત્ય સાથે પરિચિત કરાવવાનો છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગુજરાતની લોકકલા અને લોકસાહિત્યની પરંપરાને જીવંત રાખનારા સંશોધકો અને કલાકારોના ગૌરવવંત પ્રદાનને બિરદાવવા ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય ઍવોર્ડ અને લોકગાયક હેમુ ગઢવી ઍવોર્ડ-2025ના સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહ આગામી રવિવારના રોજ બપોરે 3 થી 5 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આર્ટ ગેલેરીમાં યોજાશે. કુલપતિ પ્રોફે. ઉત્પલ જોશીની અધ્યક્ષતામાં યોજાનારા આ સમારોહમાં ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ અરવિંદ બારોટને તથા લોકગાયક હેમુ ગઢવી ઍવોર્ડ-2025 અભેસિંહ રાઠોડને અર્પણ કરવામાં આવશે. આયોજક સંસ્થાના નિયામક પ્રોફે. જે.એમ. ચંદ્રવાડિયાએ જણાવ્યું હતું કે, આ ઍવોર્ડનો મુખ્ય હેતુ આવતી પેઢીને પોતાની સંસ્કૃતિ, લોકકલા અને લોકસાહિત્ય સાથે પરિચિત કરાવવાનો તેમજ આ ક્ષેત્રમાં અમૂલ્ય ફાળો આપનાર સંશોધકો, લોકગાયકો અને લોકવાર્તાકારોનું ગૌરવપૂર્વક સન્માન કરવાનો છે.
લોકસાહિત્યના અગ્રણિ સંશોધક અને લોકગાયક અરવિંદ બારોટે લોકપરંપરા, લોકસંસ્કૃતિ અને લોકસાહિત્ય ક્ષેત્રે માતબર પ્રદાન કર્યું છે. 19 ગ્રંથોના સર્જક અને 8000થી વધુ ગુજરાતી ગીતોના ગાયક તરીકે તેમણે લોકસંગીતને વૈશ્વિક ઓળખ અપાવી છે. લોકસાહિત્ય અને સંગીત ક્ષેત્રે તેમના અમૂલ્ય કાર્ય બદલ તેઓ અનેક રાષ્ટ્રીય અને રાજ્યસ્તરીય પુરસ્કારોથી સન્માનિત થયા છે. જ્યારે લોકગાયક અભેસિંહ રાઠોડે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને કાઠિયાવાડના લોકગીતોને તેના મૂળ સ્વરૂપમાં વિશ્વભરમાં પહોંચાડવાનો અવિસ્મરણીય પ્રયાસ કર્યો છે. શિક્ષક તરીકે 22 વર્ષ સુધીની સેવાઓ સાથે લોકસાહિત્ય અને લોકસંગીતના સંવર્ધનમાં તેમણે જીવન સમર્પિત કર્યું છે. તેમનો બુલંદ અવાજ અને લોકસંસ્કૃતિ પ્રત્યેની નિષ્ઠા ગુજરાતની ધરોહર સમાન ગણાય છે.



