ચીને અમેરિકાને ટક્કર આપે તેવું વિમાન તૈયાર કર્યું
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.28
- Advertisement -
ચીને તાજેતરમાં જ એક અત્યંત ઘાતક જાસૂસી વિમાન કેજે 600 એવોક્સનું સફળતાપૂર્વક પરિક્ષણ કર્યું હતું. ચીનની સેના માટે બનાવવામાં આવેલુ આ આગામી પેઢીનું ટેક્ટિકલ અર્લી વોર્નિંગ એરક્રાફ્ટ છે. તેની સરખામણી અમેરિકાના ઇ-2 હોકઆઇ વિમાન સાથે કરવામાં આવે છે. જોકે આ વિમાનથી ભારતને કેટલો ખતરો છે તેને લઇને ચર્ચા ચાલી રહી છે. કેજે-600 ટેક્ટિકલ અર્લી વોર્નિંગ એરક્રાફ્ટનો ચીની સૈન્યમાં સમાવેશ થઇ જતા સૈન્યની ક્ષમતામાં વધારો થઇ ગયો છે. ચીન સતત આકાશથી સરહદો પર નજર રાખી રહ્યું છે. આ વિમાનની મદદથી તે ભારતની જાસૂસી કરી શકે છે. આ વિમાન સરહદી સર્વિલંસ, કમાંડ અને કંટ્રોલ માટે બનાવવામાં આવ્યું છે. સિઆન નામની કંપની દ્વારા આ વિમાન તૈયાર કરવામાં આવ્યું છે. તેની ફ્લાઇટ ટ્રાયલ 2020ના અંતમાં શરૂ થઇ હતી. તે જ સમયે વિશ્વભરમાં કોરોના મહામારી ફેલાઇ હતી જેની શરૂઆત પણ ચીનથી થઇ હતી.
આ એરક્રાફ્ટમાં બે ટર્બોપ્રોપ એન્જિન લગાવેલા છે, સાથે જ વધારે ઇંધણ પણ ભરવું શક્ય છે જેને કારણે લાંબા અંતર સુધી આ વિમાન વધુ સમય સુધી ઉડી શકે છે. વિમાનમાં બહુ મોટુ ડોર્સલ રૈડોમ લગાવેલું છે. જેમાં એક્ટિવ ઇલેક્ટ્રોનિકલી સ્કેન્ડ એરે રડાર લગાવેલુ છે. ચીને આવા ચારથી છ વિમાન બનાવ્યા છે. આ વિમાનને પાંચથી છ લોકો મળીને ઉડાવી શકે છે. 59.6 ફુટ લાંબુ અને 18.9 ફુટ ઉંચુ જહાજ 25,401 કિલોગ્રામ વજન ધરાવે છે. અને મહત્તમ 693 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરી શકે છે. તેની રેંજ 1250 કિમીની છે. આ વિમાન આશરે 50 હજાર ફૂટની ઉંચાઇ સુધી ઉડવાની ક્ષમતા ધરાવે છે.
2800 કિમીની રેન્જ ધરાવતું વિમાન 50 હજાર ફૂટની ઉંચાઇએ ઉડાન ભરવા સક્ષમ, મહત્તમ સ્પીડ પ્રતિ કલાક 693 કિમી