ગુરુ કિરીટ પાઠકનાં ચેલા અતુલ પંડિતને પણ જેલ?
ભાજપ હાઈકમાન્ડ દ્વારા અતુલ પંડિત પાસેથી રાજીનામું માગી લેવાયાની ચર્ચા!
- Advertisement -
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ચેરમેન પદ પરથી મસમોટા કૌભાંડો કરી વિદેશ ભાગી જનાર અતુલ પંડિત પાસેથી ભાજપ હાઈકમાન દ્વારા રાજીનામું માગી લેવામાં આવ્યું હોવાનું શિક્ષણ સમિતિના સભ્યોમાં ચર્ચાઈ રહ્યું છે. એટલું જ નહીં, રાજકોટ શિક્ષણ સમિતિમાં આર્થિક ગોટાળા કરવા બદલ અતુલ પંડિત તેમના ગુરુ કિરીટ પાઠકની જેમ જ જેલ જશે એવું પણ જાણવા મળી રહ્યું છે. આ સાથે જ શિક્ષણ સમિતિમાં અતુલ પંડિતે કરેલા કાળા કારનામાઓનું માઠું પરિણામ શિક્ષણ સમિતિના વર્તમાન સભ્યોને પણ ભોગવવું પડશે, તેમનું પણ રાજીનામું લઈ લેવામાં આવશે એવું જણાય રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આજથી વર્ષો અગાઉ રાજકોટ શિક્ષણ સમિતિમાં ચેરમેન પદ પરથી કિરીટ પાઠકે આર્થિક ગોટાળાઓ કરેલા જે બદલ તેમને જેલવાસ ભોગવવો પડ્યો હતો, હજુ પણ તેઓ આ કિસ્સામાં જામીન પર જ છે. દરમિયાન તપાસ કરતા જાણવા મળ્યું છે કે, કિરીટ પાઠકને પોતાના ગુરુ માની તેમના ચેલા તરીકે વર્તતા અતુલ પંડિત પણ રાજકોટ શિક્ષણ સમિતિમાં આર્થિક ગોટાળા કરવા બદલ વિદેશયાત્રાએથી સીધા જેલયાત્રાએ જશે. અંદરખાને ભાજપ, આરએસએસ, બ્રહ્મસમાજથી લઈ શિક્ષણસમાજમાંથી એવું જાણવા મળ્યું છે કે, રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કિરીટ પાઠકની સલાહ માની કામગીરી કરવા બદલ અતુલ પંડિતને મોટી સજા ભોગવવી પડશે, અતુલ પંડિતે કરેલા પાપની સજા તેમની જોડે કેટલાંક નિર્દોષને પણ મળશે એ પણ નક્કી છે.
‘ખાસ-ખબર’માં ઉજાગર થયેલા શિક્ષણ સમિતિનાં કૌભાંડોનો પ્રચંડ પ્રત્યાઘાત
ખાસ-ખબર દ્વારા છેલ્લા કેટલાંક દિવસોથી રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ચેરમેન અતુલ પંડિત દ્વારા શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયા અને દિપક સાગઠિયા સાથે મળી આચરેલા મસમોટા કૌભાંડોનો વિગતવાર પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે. ખાસ-ખબરમાં પ્રસિદ્ધ રાજકોટ શિક્ષણ સમિતિના વિવિધ કૌભાંડોના પ્રચંડ પ્રત્યાઘાત અત્ર, તત્ર, સર્વત્ર પડ્યા છે. એકતરફ સરકારી શાળાના આચાર્યો – શિક્ષકો – વાલીઓ પણ ખુલીને શિક્ષણ સમિતિની એક પછી એક પોલ ખોલી રહ્યા છે. બીજીતરફ આમ આદમી પાર્ટી દ્વારા પણ શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત સહિત તેમની સાથે કૌભાંડોમાં સંકળાયેલા વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધી કાયદેસર પગલાં ભરવા આરએમસી કમિશનરને અરજી કરવામાં આવી છે. આ સિવાય શિક્ષણ સમિતિના ચેરમેન સહિત તમામ સભ્યો વિરુદ્ધ શિક્ષક સંઘ દ્વારા પણ શિક્ષણમંત્રી અને શિક્ષણ સચિવને અરજી કરવામાં આવી છે. ખાસ-ખબરના અહેવાલો બાદ તમામ તરફથી રાજકોટ શિક્ષણ સમિતિમાં થયેલા પાપો છાપરે ચઢી પોકારી રહ્યા છે ત્યારે સરકાર અને પક્ષ દ્વારા ઉચ્ચ અધિકારીઓને તપાસ સોંપી વર્તમાન શિક્ષણ સમિતિને જ બરખાસ્ત કરી દેવી જોઈએ એવી માંગ ઉઠી રહી છે.