અતુલ પંડિત તો કિરીટ પાઠકનાં પાળેલા પોપટ નીકળ્યાં!
અતુલ પંડિતે ખુદ સમિતિના સભ્યો પાસે કબૂલ્યું છે કે, હું જે પણ કરતો હતો તે કિરીટ પાઠકના કહેવા પર કરતો હતો
- Advertisement -
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાંથી કરોડો રૂપિયા બનાવી અતુલ પંડિત વિદેશ પ્રવાસે જવા માટે રજા પર ઉતરી ગયા!
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત દ્વારા કરવામાં આવેલા મસમોટા કૌભાંડો છતાં થઈ જતા તેઓ અમેરિકા ભાગી જવાની વેંતરણમાં છે. અતુલ પંડિત શિક્ષણ સમિતિમાં 40 દિવસની રજા પર ઉતરી ગયા છે અને ચેરમેનનો ચાર્જ વાઈસ ચેરમેન અતુલ પંડિતને સોંપી દીધો છે. એવું ચર્ચાઈ રહ્યું છે કે, અતુલ પંડિતે શિક્ષણ સમિતિમાં કૌભાંડો કરી કરોડો રૂપિયા બનાવી લીધા છે અને હવે વિદેશ પ્રવાસે જલસા કરવા ઉપડી ગયા છે. આ દરમિયાન સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, રાજકોટ નગર શિક્ષણ સમિતિમાં અતુલ પંડિતે દિનેશ સદાદિયા અને દિપક સાગઠિયા સાથે મળી કરેલા કૌભાંડોમાં પડદા પાછળ કિરીટ પાઠક મુખ્ય ભૂમિકામાં છે. અતુલ પંડિતે ખુદ સમિતિના સભ્યો પાસે કબૂલ્યું છે કે, હું જે પણ કરતો હતો તે કિરીટ પાઠકના કહેવા પર કરતો હતો. અતુલ પંડિતની કિરીટ પાઠકના પાળેલા પોપટ જેવી ભૂમિકાથી ફરી એકવખત શિક્ષણ સમિતિનો ભૂતકાળ પુનરાવર્તિત થશે અને કિરીટ પાઠક જેમ અતુલ પંડિતને પણ જેલના સળિયા ગણવા પડશે એવું જણાય રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તત્કાલીન ચેરમેન કિરીટ પાઠક દ્વારા આર્થિક – વહીવટી કૌભાંડ કરવામાં આવ્યા હતા. આ કૌભાંડોમાં તેમને સજા પણ થયેલી હતી. હવે જ્યારે રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત છે ત્યારે તેમનો કિરીટ પાઠકે દોરી સંચાર કરી કેટલાંક કૌભાંડોને અંજામ અપાવ્યો છે. આમ, રાજકોટ શિક્ષણ સમિતિના તત્કાલીન ચેરમેન કિરીટ પાઠકની જેમ વર્તમાન ચેરમેન અતુલ પંડિતને પણ કૌભાંડોની સજા મળે તો નવાઈ નહીં.
અતુલ પંડિતનાં કરતૂતોની રજૂઆત પાટીલ-પટેલને કરાશે
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ચેરમેન પદ પરથી સત્તાનો દુરુપયોગ કરી સરકારી ગ્રાન્ટ ચાઉ કરી જવા બદલ અતુલ પંડિત પર બધેથી માછલાં ધોવાઈ રહ્યા છે. રાજકોટ શિક્ષણ સમિતિ પણ બદનામ થઈ રહી છે. આવા સંજોગોમાં સમિતિના સભ્યોએ વારંવાર અતુલ પંડિતને સમગ્ર મામલે ખુલાસો કરવા જણાવ્યું હતું પરંતુ અતુલ પંડિત દ્વારા સમિતિના સભ્યોની વાત માનવામાં આવી નહતી. બીજી તરફ સભ્યો દ્વારા તપાસ કરવામાં આવતા અતુલ પંડિતે કૌભાંડ કર્યાનું બહાર આવ્યું હતું તેથી હવે સમિતિના કેટલાંક જાગૃત સભ્યોએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને અતુલ પંડિતના કરતૂતોની રજૂઆત કરશે એવું જાણવા મળી રહ્યું છે.
- Advertisement -
ભાજપ, સંઘ અને બ્રહ્મસમાજમાં અતુલ પંડિત પર થૂં..થૂં..
રાજકોટ શિક્ષણ સમિતિમાં ચેરમેન પદ પરથી અતુલ પંડિત દ્વારા કરવામાં આવેલા આર્થિક – વહીવટી કૌભાંડો બાદ ચોમેરથી તેમની ટિકાઓ થઈ રહી છે. અતુલ પંડિત સમગ્ર મામલે ખુલાસો આપી શકતા નથી અને બધેથી ભાગતા ફરી રહ્યા છે ત્યારે ભાજપ, આરએસએસ અને બ્રહ્મસમાજમાં પણ અતુલ પંડિત પર થૂં..થૂં.. થઈ રહ્યું છે. પહેલા શિક્ષણ સમિતિના કૌભાંડો અને પછી વ્યક્તિગત ચારિત્ર છતું થઈ જતા અતુલ પંડિતને જાહેર જીવનમાં મિત્રો-સાથીઓ તરફથી ઝાકારો મળી રહ્યો છે. નજીકના લોકો દ્વારા અતુલ પંડિતનો વિરોધ થતા તેઓ વિદેશ ભાગી રહ્યા છે.
ચેરમેને સર્વ ફાઉન્ડેશનને સરકારી શાળા દત્તક દેવાના બહાને વેંચી મારી?
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિતના ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટવાનું બંધ જ થતું નથી. રોજ અતુલ પંડિતના કંઈકને કંઈક કાળા કારનામાઓ સામે આવી રહ્યા છે. શિક્ષણ સમિતિના કેટલાંક સભ્યોના જણાવ્યા અનુસાર ચેરમેન અતુલ પંડિતે સર્વ ફાઉન્ડેશનને એક સરકારી શાળા દત્તક દેવાના નામે પાછલા બારણેથી પૈસા લઈ વેંચી મારી છે. સર્વ ફાઉન્ડેશન રાજકોટના કેટલાંક બિલ્ડરોની એક સંસ્થા છે. બિલ્ડરોએ સર્વ ફાઉન્ડેશન સંસ્થાના નામે શિક્ષણ સમિતિ સાથે મળી સરકારી શાળા દત્તક લીધી છે. શહેરના પોશ એરિયામાં આવેલી સરકારી શાળા બિલ્ડરોને દત્તક આપવા બદલ અતુલ પંડિતે તેમની પાસેથી મસમોટી રકમ લીધાનું પણ જાણવા મળી રહ્યું છે એટલું જ નહીં, સર્વ ફાઉન્ડેશનના સભ્યો એટલે બિલ્ડરો દ્વારા આ સરકારી શાળામાં દર રવિવારે પાર્ટી અને ગેટ ટુ ગેધર પણ ગોઠવવામાં આવે છે.
દિનેશે અને દિપકે સોશિયલ મીડિયામાં અતુલ પંડિતની મજાક ઉડાવી
સરકારી આચાર્ય દિનેશ સદાદિયા અને દિપક સાગઠિયાએ ગતરોજ ફેસબૂકમાં અતુલ આઈસ્ક્રીમ ખાતી પોસ્ટ મૂકી છે. આ પોસ્ટ પર આડકતરી રીતે દિનેશ અને દિપક દ્વારા અતુલ પંડિતની લાચારીની મજાક પણ ઉડાવવામાં આવી છે. શિક્ષણ સમિતિમાં અતુલ પંડિત કરેલા કૌભાંડોના ભેદભરમ દિનેશ અને દિપક જાણે છે તેમજ તેઓ પણ તેમાં સામેલ છે તેથી દિનેશ સદાદિયા અને દિપક સાગઠિયાને ખબર છે કે, અતુલ પંડિત તેમનું કશું બગાડી શકશે નહીં. દિપક સાદદિયા અને દિનેશ સાગઠિયાએ શિક્ષણ સમિતિના સભ્યો બાદ ચેરમેનને ટાર્ગેટ કર્યા છે.