માધાપર ચોક પાસે સિવિલ હોસ્પિટલમાંથી ફરજ પૂરી કરીને ઘરે જતી યુવતીને નરાધમે પાછળથી હુમલો કરી વોંકળામાં ખેંચી જવાનો પ્રયાસ કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં દિવસેને દિવસે ક્રાઈમની ઘટનામાં વધારો થતો જાય છે. ભૂમાફિયા, વ્યાજંકવાદ, લૂંટ તથા દુષ્કર્મની ઘટનામાં અવારનવાર થઈ રહી છે. ત્યારે માધાપર ચોક નજીક નિર્ભયાકાંડ જેવી ગંભર ઘટના બનતા સહેજમાં અટકી હતી, સિવિલ હોસ્પિટલમાંથી ફરજ પૂરી કરીને રાત્રીના ઘર તરફ જઇ રહેલી નર્સ પર કોઇ નરાધમે પાછળથી હુમલો કરી નર્સને ત્રણ વખત પછાડી દઇ વોંકળામાં ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નર્સે પ્રતિકાર કરી પોતાની આબરૂ બચાવી એ નરાધમના સકંજામાંથી છૂટીને ઘરે પહોંચી ગઇ હતી. આવી ગંભીર ઘટનામાં પોલીસે તાત્કાલિક ગુનો નોંધવાને બદલે આરોપી પકડાશે પછી ગુનો નોંધશું તેમ કહી યુવતીની અરજી લઇ તેને રવાના કરી દેવાઇ હતી. માધાપર ચોકડી પાસે આવેલી મહાવીર રેસિડેન્સીમાં રહેતી રાજસ્થાનની વતની 23 વર્ષની યુવતી સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકેની પોતાની ફરજ પૂરી કરીને રાત્રીના 8 વાગ્યે હોસ્પિટલથી રિક્ષામાં બેસી માધાપર ચોકડીએ આવી હતી અને ચોકડીએ ઉતરી રસ્તો ક્રોસ કરી યુવતી 8.30 વાગ્યાના અરસામાં મહાવીર રેસિડેન્સી તરફ જઇ રહી હતી, એપાર્ટમેન્ટ તરફ જવાનો રસ્તો કાચો હોય અને ઘોર અંધારું હોય યુવતી ચાલીને જઇ રહી હતી તે વખતે પાછળથી કોઇ દોડીને આવી રહ્યું છે.
- Advertisement -
તેવો અહેસાસ થતાં નર્સે પાછળ ફરીને નજર કરતાં જ કાળા રંગનું જેકેટ પહેરેલો અંદાજે 30 થી 35 વર્ષની વયનો શખ્સ તેની નજીક ધસી આવ્યો હતો, નર્સ કંઇ સમજે તે પહેલા જ તેને પાછળથી પકડી, તેના વાળ ખેંચ્યા હતા અને નર્સનો હાથ પકડી બાજુમાં આવેલા નાલા તરફ ખેંચી જવાનો પ્રયાસ શરૂ કર્યો હતો, નર્સે પ્રતિકાર ચાલુ રાખ્યો હતો અને તે ઊભા થવાની કોશિશ કરતી હતી તેમ તેમ તે શખ્સ તેને ધક્કો મારીને પછાડી દેતો હતો અને અવાવરુ સ્થળે ખેંચી જવાનો પ્રયાસ કરતો હતો, નર્સ તાબે થઇ નહોતી અને તેણે હિંમતપૂર્વક પ્રતિકાર કરી બદઇરાદો રાખનાર શખ્સના સકંજામાંથી છૂટીને દોડીને પોતાના એપાર્ટમેન્ટમાં પહોંચી ગઇ હતી. ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચી ગઈ હતી.
આરોપી પકડાઇ જાય પછી પાકી ફરિયાદ કરજો
ફરિયાદ કરવા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને ગયેલી યુવતીને એવું કહ્યું કે, આરોપી અજાણ્યો છે, તે જ્યાં સુધી પકડાશે નહી ત્યાં સુધી તપાસ માટે તમારે વારંવાર પોલીસ સ્ટેશને આવવું પડશે, તમે સરકારી નોકરી કરો છો, વારંવાર આવવાનું તમને પોષાશે નહીં માટે આરોપી પકડાઇ જાય પછી પાકી ફરિયાદ કરજો, અને આવું લખાણ પણ નર્સ પાસે અરજીમાં કરાવી પોતાનો બચાવ કરવાનો ખેલ કર્યો હતો.