મેટોડા પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના લેબર કોન્ટ્રાકટરને મેટોડામાં છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઇ હતી બનાવ અંગે મેટોડા પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ચાર શખ્સો સામે ગુનો નોંધી તપાસ આદરી હતી.
- Advertisement -
રાજકોટમાં શક્તિ સોસાયટીમાં રહેતા હર્ષદભાઇ મગનભાઈ ઘાટલીયા ઉ.44એ મેટોડાના ઈકબાલ ઉર્ફે શોએબ બ્લોચ, મહોમદ ઉર્ફે નવાઝ, પાર્થ રબારી અને એક અજાણ્યા શખ્સ સામે મેટોડા પોલીસમાં હત્યાના પ્રયાસ અંગે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ મેટોડા જી.આઈ.ડી.સી. તથા શાપરમાં અલગ અલગ કંપનીઓમાં લેબર કોન્ટ્રાક્ટરનું કામ કરે છે. તેમના પત્નિ શિક્ષીકા તરીકે પ્રાઇવેટ નોકરી કરે છે. ગઇ તા.31 ના સવારના સાડા દશેક વાગ્યાના અરસામાં તેઓ મેટોડા લેબરના કામથી આવેલ હતાં ત્યારે મેટોડા જીઆઇડીસી ગેઇટ નં.2 ની બાજુમાં આવેલ બસ સ્ટેન્ડ પાસે ઊભાં હતાં ત્યારે અજાણ્યા વ્યક્તિનો ફો ન આવેલ કે, કયા છો, ઓફીસે આવો છો ? મારે માણસો કામે રાખવા છે. જેથી તેને કહેલ કે, હું મેટોડા જીઆઇડીસી ગેઇટ નં.2 ના બસ સ્ટેન્ડ પાસે બેઠો છુ, તમે આવો તેમ કહેતા થાડી વાર બાદ ફરીથી ફોન આવેલ કે, ક્યાં છો, જેથી તેને તમારી રાહ જોઈને જ બસ સ્ટેન્ડ બેઠો છુ તેમ કહેલ હતું.
જે બાદ એક ઓટો રીક્ષા નંબર બસ સ્ટેન્ડ પાસે ઉભી રહેલ અને તેમાંથી મેટોડા જીઆઇડીસી ગેઇટ નં.2 ની સામે રહેતો ઇકબાલ ઉર્ફે સોયેબ બ્લોચ તથા તેના માસીનો છોકરો મહમદ ઉર્ફે નવાઝ, આસ્થા સોસાયટીમાં રહેતો પાર્થ રબારી તથા એક અજાણ્યો શખ્સ ઉતરેલ અને ઇકબાલ ઉર્ફે શોયેબે તેમની પાસે આવી મારી બહેન સામે કેમ જોવે છે ? તેમ કહી પકડી રાખેલ અને તેની સાથે આવેલ પાર્થ રબારી અને અજાણ્યા માણસે પણ તેમને પકડી રાખી ઢીકા પાટુનો માર મારવા લાગેલ હતો મહમદ ઉર્ફે નવાઝે તેના હાથમાં રહેલ છરીથી પેટમાં ઉપરા ઉપરી બે ઘા મારી દીધેલ ત્યારે ઇકબાલ ઉર્ફે શોયેબ બોલતો હતો કે, આ મરી જાય ત્યાં સુધી મારો તેમ કહી તેણે નવાઝના હાથમાંથી છરી લઇ કમરના ભાગે પડખામાં છરીનો એક ઘા મારી દીધેલ હતો, જેથી તેઓ નીચે પડી જતા તેને અંધારા આવવા લાગેલ અને આ ચારેય આરોપી રીક્ષામાં બેસી ત્યાંથી ભાગી ગયેલ હતા. બાદમાં તેઓએ મિત્રને જાણ કરતાં તે દોડી આવેલ અને 108 મારફત પ્રથમ ખાનગી હોસ્પિટલ અને બાદમાં અત્રેની સીવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડેલ હતાં.
વધુમાં ફરિયાદીએ બનાવના કારણ અંગે જણાવ્યું હતું કે, હું લેબર કોન્ટ્રાક્ટરનો ધંધો કરતો હોય અને મેટોડા જીઆઇડીસી ગેઈટ નં.ર ની સામે રહેતી શબાના બ્લોચ તેમના કોન્ટ્રાક્ટમાં કામ કરતી હતી. દોઢેક મહીના નોકરી કર્યા બાદ તેણે પોતાની રીતે અલગથી લેબર કોન્ટ્રાક્ટ રાખવાનું કામ ચાલુ કરી દીધેલ જેથી મારે માણસોની જરૂરીયાત હોય ત્યારે એક બીજાને ફોન કરતા હતા અને માણસોને એક બીજાના કોન્ટ્રાક્ટમાં મોકલતા હતા. ત્યારે શબાનાનો ભાઈ ઇકબાલ ઉર્ફે શોયેબ બ્લોચ માણસો લેવા મુકવા આવતો હતો ત્યારે તેની સાથે ઘણીવાર ઇકબાલ ઉર્ફે શોએબનો માસીનો દિકરો મહમદ ઉર્ફે નવાઝ તથા પાર્થ રબારી પણ આવતા હતા. ત્રણેક મહીના પહેલા ઇકબાલ ઉર્ફે શોયેબે મારી પાસેથી રૂ.3500 ઉછીના લીધા હતા, જે તેની પાસેથી એક બે વખત માંગેલ હતા. જેનો ખાર રાખી હુમલો કર્યો હતો બનાવ અંગેની ફરીયાદ પરથી મેટોડા પોલીસે ગુનો નોંધી પીઆઈ એસ.એચ.શર્મા અને ટીમે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં