ગડુ ખાતે આયોજિત કાર્યક્રમમાં અજાણ્યા શખસે કર્યો હુમલો: પોલીસે આરોપીની ધરપકડ કરી, અગાઉ જામનગરમાં પણ બની હતી આવી ઘટના
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
- Advertisement -
જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના ગડુ ગામે ગઈકાલે રાત્રે આયોજિત ખેડૂત સન્માન સભામાં અચાનક અફરાતફરી મચી ગઈ હતી. આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા જ્યારે મંચ પરથી જનસભાને સંબોધન કરી રહ્યા હતા, ત્યારે પ્રેક્ષકોમાં બેઠેલા એક અજાણ્યા શખસે તેમના પર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે સભામાં હાજર લોકોમાં સોપો પડી ગયો હતો.
જૂતું ફેંકવાની ઘટના બનતાની સાથે જ મંચ પાસે તૈનાત પોલીસ જવાનો અને આમ આદમી પાર્ટીના જાગૃત કાર્યકર્તાઓ તાત્કાલિક હરકતમાં આવ્યા હતા. હુમલાખોર શખસ કંઈ વધુ કરે તે પહેલા જ તેને દબોચી લેવામાં આવ્યો હતો અને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો. સદનસીબે, જૂતું ગોપાલ ઈટાલિયાને વાગ્યું નહોતું અને કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. આ ઘટના બાદ પણ ગોપાલ ઈટાલિયાએ પોતાનું સંબોધન ચાલુ રાખ્યું હતું અને શાંતિ જાળવવા અપીલ કરી હતી.
ગોપાલ ઈટાલિયા સાથે આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન થયું છે. અગાઉ જામનગરમાં પણ એક જાહેર કાર્યક્રમ દરમિયાન તેમના પર જૂતું ફેંકવાની ઘટના બની હતી. વારંવાર બનતી આવી ઘટનાઓ બાદ રાજકીય નેતાઓની સુરક્ષા સામે સવાલો ઉઠી રહ્યા છે. ’આપ’ ના સ્થાનિક નેતાઓએ આ કૃત્યને સખત શબ્દોમાં વખોડી કાઢી તેને લોકશાહીની ગરિમાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ ગણાવ્યો છે.
પોલીસ હાલ પકડાયેલા શખસની સઘન પૂછપરછ કરી રહી છે કે આ હુમલા પાછળ કોઈ રાજકીય ષડયંત્ર છે કે વ્યક્તિગત રોષ. ઘટનાને પગલે જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતા ચર્ચાઓ શરૂૂ થઈ છે.



