શિક્ષણ સમિતિ પાસે 50 હજારથી વધુ ખર્ચ કરવાની સત્તા નહીં છતાં 20થી 30 લાખનો અંદાજિત ખર્ચ : ટેન્ડર વગર RMC આ તમામ ખર્ચનું બિલ મંજૂર કરશે કે કેમ?
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19
આગામી તા. 22, 23 અને 24ના રોજ શહેરના ત્રણેય ઝોનનો શિક્ષણ સમિતિ રાજકોટ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવનાર છે, પરંતુ આ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવા પાછળની મેલીમુરાદ અને ભ્રષ્ટાચાર હોય તેવી ગંધ આવી રહી છે. આ પહેલાં પણ યુનિફોર્મ કૌભાંડ આચરવામાં આવ્યું હતું ત્યારે ફરી એક વખત હવે સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ આવું જ કંઈક છે.
આ સમગ્ર કાર્યક્રમ શાસનાધિકારી કિરીટસિંહ પરમારની આગેવાની હેઠળ યોજવામાં આવી રહ્યો છે અને આમ હવે ફરી એકવખત ભ્રષ્ટાચાર, અનીતિ અને તેમાં અનેકની મિલીભગત સામે આવશે. કારણ કે આ સંપૂર્ણ કામગીરી માટે શાસનાધિકારી કિરીટસિંહ પરમારની આગેવાની હેઠળ તેની ટોળકી સક્રિય બની છે. હવે જોવું એ રહ્યું કે આ ટોળકી શું ભ્રષ્ટાચાર કરશે? કેટલી કટકી કરશે? અને શું આ અંગે સ્ટે. કમિટી ચેરમેન શું પગલાં લેશે? અનેક સવાલો લોકોના મનમાં ઉઠી રહ્યા છે.
- Advertisement -
શિક્ષણ સમિતિ રાજકોટ દ્વારા શહેરના ત્રણેય ઝોનમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે જેનો કુલ ખર્ચ અંદાજિત 20થી 30 લાખ થશે. હવે સવાલ એ ઉભો થાય છે કે શિક્ષણ સમિતિને 50 હજારથી ઉપરનો ખર્ચો કરવાની કોઈ જ સત્તા નથી તો પછી આટલો મોટો લાખોનો ખર્ચ આ માટે અને કેવી રીતે કરશે? આ સાંસ્કૃતિક કાર્યક્રમ 93 શાળાઓને સાથે રાખી યોજવામાં આવશે અને આ તમામ શાળાઓ શિક્ષણ સમિતિના દબાણ હેઠળ કાર્યક્રમ યોજી રહી છે.
કોર્પોરેશન આ તમામ ખર્ચ વિશે ચકાસણી કરતી નથી અને કેમ આ તમામ ખોટા અને મસમોટા ખર્ચના બીલ મંજૂર કરવામાં આવી રહ્યા છે? તે એક સવાલ છે. રૂા. 50 હજારથી વધુ ખર્ચમાં શિક્ષણ સમિતિ કોઈપણ કાર્યક્રમ યોજી શકે નહીં જેની સત્તા પણ તેમની પાસે નથી છતાં તાજેતરમાં શહેરના ત્રણેય ઝોનમાં યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમનો ખર્ચ છે રૂા. 20થી 30 લાખ અને આ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવા માટે કોરિયોગ્રાફરનો ખર્ચ 7થી 8 લાખ બતાવવામાં આવી રહ્યો છે. ખરેખર આટલા કોરિયોગ્રાફરના ભાવ રાજકોટમાં તો હોતા જ નથી તો આટલો ખર્ચ કેમ? આ વાત આટલેથી જ નથી પૂરી થતી આ સાંસ્કૃતિક કાર્યક્રમ માટે કોઈપણ ડાન્સ એકેડેમીનો સંપર્ક કરવામાં આવ્યો નથી. માત્ર લાગતાવળગતા એટલે કે પોતાના અંગતને આ કામ સોંપી દેવામાં આવ્યું છે. કોસ્ચ્યુમનો ખર્ચ અંદાજિત પાંચથી છ લાખ બતાવવામાં આવી રહ્યો છે તો શું આ યોગ્ય ખર્ચ છે?
શિક્ષણ સમિતિના દબાણ હેઠળ શાળાઓને કાર્યક્રમ માટે તૈયાર કરવામાં આવે છે. આ સાંસ્કૃતિક કાર્યક્રમ માટે બાળકોના કોસ્ચ્યુમ, કોરિયોગ્રાફર વગેરે માટે પોતાના અંગત માણસોને કામ સોંપવામાં આવે છે. આ એક મોટો પ્રશ્ર્ન છે અને જો શિક્ષણ સમિતિના કોઈ સભ્યો આ ખોટા ખર્ચ કે ભ્રષ્ટાચાર વિરૂદ્ધ અવાજ ઉઠાવે તો તેને દબાવી દેવામાં આવે છે.
આ સમગ્ર ખર્ચો આર.એમ.સી.ના ફાળામાંથી આવે છે. તો આર.એમ.સી. આ તમામ ખર્ચાની ચકાસણી કરશે કે કેમ?
અત્રે ઉલ્લેખનીય છે કે કોસ્ચ્યુમનો ખર્ચ અને કોરિયોગ્રાફર આમ આ બે વસ્તુ ટેન્ડર વગર કેમ સોંપવામાં આવી? આટલું જ નહીં બીલના કટકા કરી સ્કૂલને પૈસા ફાળવી દેવામાં આવે છે અને સ્કૂલમાં જ કોઈ જાણીતાને ફોન કરી ચેક આપવાનું કહી કૌભાંડ આચરવામાં આવે છે. આમ ડગલે ને પગલે પોતાના ઘર ભરવાના બદઈરાદે ખર્ચામાંથી કટકી કરવામાં આવે છે. શું આ સમગ્ર ભ્રષ્ટાચાર પાછળ શાસનાધિકારી કિરીટસિંહ પરમારનો હાથ છે? આર.એમ.સી. શું પગલાં ભરશે? ખર્ચ આપવો કે કેમ તે જોવું રહ્યું.
- Advertisement -
ટેન્ડર વગર આટલો મોટો ખર્ચ RMC મંજૂર કરશે?
સ્ટે. કમિટીના ચેરમેને આ અગાઉ કહ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે ટેન્ડર વગર એક પણ કાર્યક્રમનું ચૂકવણુ કરવામાં આવશે નહીં. છતાં પણ આ શિક્ષણ સમિતિના આ બીલનો ખોટો ખર્ચ કોર્પોરેશન ચૂકવશે કે નહીં તે એક મોટો પ્રશ્ર્ન છે. આ પહેલાં પણ આવી જ રીતે ગણવેશ કૌભાંડ આચરવામાં આવ્યું હતું અને આર.એમ.સી. કોઈ પણ બીલની ચકાસણી કર્યા વગર કેમ તમામ રકમ મંજૂર કરે છે અને શા માટે મંજૂર કરવામાં આવે છે, શું ટેન્ડર વગર આટલો મોટો ખર્ચ મંજૂર થશે કે કેમ? એ તો જોવું રહ્યું.