7 આરોપીની ધરપકડ : ઊંઘની દવા બનાવવા માટે ઉપયોગ થતો હતો
42 કરોડ ટેબલેટ બને એટલો જથ્થો જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
ખંભાતના સોખડા સ્થિત જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ)ની ટીમે ગુરુવાર (23 જાન્યુઆરી) સવારે દરોડા પાડ્યા હતા. સ્ક્વોડના 60થી વધુ અધિકારીએ સર્ચ ઓપરેશન હાથ ધરીને રૂપિયા 107 કરોડનો નશાયુક્ત પાઉડર કબજે કર્યો હતો. એટીએસની ટીમ ફેક્ટરીના સંચાલક સહિત કુલ 7 લોકોની ધરપકડ કરી તમામને અમદાવાદ લઇ ગઇ છે, જ્યાં તેમની પૂછપરછ ચાલી રહી છે. સમગ્ર મામલે અઝજ તપાસમાં વધુ ખુલાસા થવાની સંભાવના છે. ગુજરાતનાં નાનાં શહેરો અને જિલ્લાઓનાં ગામમાં આવેલી ફેક્ટરીઓને ભાડે રાખીને ડ્રગ્સ બનાવવામાં આવતું હોય છે ત્યારે, વધુ એક ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ગુજરાત એટીએસ દ્વારા ઝડપી પાડવામાં આવી છે. આણંદના ખંભાત નજીકથી અલ્પ્રાઝોલમ દવા બનાવવા માટે ઉપયોગ થતાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે.
એટીએસએ જ્યારે તપાસ કરી ત્યારે ઊંઘની દવા અલ્પ્રાઝોલમ બનાવવા માટે જે ડ્રગનો ઉપયોગ થતો હોય છે તે મળી આવ્યું હતું. અંદાજિત 107 કિલો ડ્રગનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ.107 કરોડથી વધુ થાય છે. આ ડ્રગની બજાર કિંમત એક કિલોનો એક કરોડ રૂપિયા જેટલો ભાવ થાય છે. જેથી 107 કરોડ જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી ફેક્ટરીમાં આ જથ્થો બનાવવામાં આવતો હતો.
સત્તાવારસૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ખંભાતની સોખડા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી ગ્રીનલાઈફ ઈન્ડસ્ટ્રીઝમાં એટીએસની ટીમે દરોડા પાડ્યા હતા. ગત વહેલી સવારથી બલ્ક ડ્રગ્સ અને મેન્યુફેક્ચરિંગ ગ્રીનલાઈફ ઇન્ડસ્ટ્રીઝમાં અંદાજે 18 કલાક સુધી તપાસ ચાલી હતી, જેમાં કંપનીના માલિકો, પાર્ટનર સહિત કર્મચારીઓની મોડી સાંજ સુધી પૂછપરછ કરાઈ હતી. કંપનીમાં ડ્રગ્સ હોવાની આશંકાને આધારે સર્ચ-ઓપરેશન કરાયું હતું.
- Advertisement -
ઝડપાયેલા આરોપીમાં વિજય મકવાણા અને હેમંત પટેલ બંને કેમિકલની ડિગ્રી ધરાવે છે. અગાઉ ખંભાત ખાતે આવેલા ક્રિશાંક ફાર્મ કંપનીમાં નોકરી કરતા હતા. જેમની સાથે લાલજી મકવાણા અને જયદીપ મકવાણા પણ નોકરી કરતા હતા, જેથી આ આરોપીઓ ભેગા મળી અને નેજા ગામ પાસે આવેલી ફેક્ટરી ભાડે રાખી અલ્પ્રાઝોલમનો ડ્રગનો જથ્થો તૈયાર કરી રહ્યા હતા.
ઝડપાયેલા જથ્થામાંથી 42 કરોડ જેટલી ટેબલેટ બની શકે તેટલો જથ્થો મળી આવ્યો છે. અલ્પ્રાઝોલમ નાર્કોટિક ડ્રગ છે અને તેને બનાવવા માટે પરમિશન લેવી પડે છે. આ ટેબલેટ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન ઉપર બજારમાં મળતી હોય છે.