GST ડિફોલ્ટરો પર ગુજરાતભરમાં અઝજના દરોડા: 65ની અટકાયત
રાજકોટ, કચ્છ, અમદાવાદ, જામનગર, જૂનાગઢ, ભાવનગર, સુરત સહિત 13 જિલ્લામાં ધોંસ: GST વિભાગને સાથે રાખીને ATS -ક્રાઈમ બ્રાન્ચ સહિતની મહત્ત્વની એજન્સીઓની કાર્યવાહી
- Advertisement -
દેશવિરોધી પ્રવૃત્તિ તેમજ બેફામ કરચોરી કરનારા તત્ત્વો ઉપર વહેલી સવારથી જ દરોડા કાર્યવાહી શરૂ: અટકાયતનો આંક વધવાની સંભાવના
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને ટિકિટ મેળવી ચૂકેલા ઉમેદવારો પ્રચાર-પ્રસારમાં વ્યસ્ત બની ગયા છે બરાબર ત્યારે જ ટેક્સ વિભાગે એક્ટિવ થઈ જઈને કરચોરો ઉપર ધોંસ બોલાવવાનું શરૂ કરી દીધું છે. ગઈકાલે ઈન્કમટેક્સ વિભાગે કચ્છ સહિતના જિલ્લાઓમાં દરોડા પાડ્યા બાદ આજે જીએસટી વિભાગે રાજકોટ સહિત ગુજરાતના 13 જિલ્લાઓમાં એટીએસને સાથે રાખી મોટાપાયે દરોડાનો દોર શરૂ કરતાં કરચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અને એટીએસ-જીએસટી વિભાગ-ક્રાઈમ બ્રાન્ચ સહિતની મહત્ત્વની એજન્સીઓએ 65થી વધુની અટકાયત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે એટીએસ એસપી સુનિલ જોષીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સુરતમાં થોડા સમય પહેલાં જ મોટાપાયે જીએસટી બોગસ બિલિંગનું કૌભાંડ પકડાયું હતું જેની ઉંડાણપૂર્વક તપાસ કરતાં આ કૌભાંડના તાર રાજ્યના 13 જેટલા જિલ્લાઓમાં ફેલાયેલા હોવાનું ખુલતાં આજે વહેલી સવારથી જ જીએસટી વિભાગ, એટીએસ, ક્રાઈમ બ્રાન્ચે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને દરોડા કાર્યવાહી શરૂ કરી છે. અત્યાર સુધીમાં 65થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.
જીએસટી-એટીએસના અત્યાર સુધીના ગુજરાતમાં સૌથી મોટા ઓપરેશન સમી કાર્યવાહી અત્યારે રાજકોટ ઉપરાંત કચ્છ, અમદાવાદ, જામનગર, સુરત, ભાવનગર, જૂનાગઢ સહિતના શહેરોમાં ચાલી રહી છે. વહેલી સવારથી જ અલગ-અલગ ટીમો અલગ-અલગ શહેરોમાં પહોંચી ગઈ હતી અને કરચોરો ઉપર તવાઈ બોલાવવાનું શરૂ કર્યું હતું. અત્યારે દરોડાનો દોર ચાલી રહ્યો હોવાથી કેટલી કરચોરી પકડાઈ તે સહિતની વિગતો મોડેથી જાહેર કરવામાં આવશે પરંતુ આ આંકડો મોટી સંખ્યામાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
- Advertisement -
બીજી બાજુ અટકાયત થયેલા 65 લોકોની અત્યારે એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચ સઘન પૂછપરછ કરી રહી છે. આ ઉપરાંત એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે કે શું આ કરચોરો કોઈ દેશવિરોધી પ્રવૃત્તિમાં સંકળાયેલા છે કે કેમ ? અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં જીએસટી ચોરીનું કૌભાંડ વધી રહ્યું હોવાથી તેને ડામી દેવા માટે વિભાગ દ્વારા મોટાપાયે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કરચોરી કરીને તે નાણાંનો ઉપયોગ દેશવિરોધી પ્રવૃત્તિમાં કરવામાં આવી રહ્યો હોવાની આશંકા સેવાઈ રહી હોવાથી હવે એટીએસે પણ તેમાં ઝંપલાવ્યું છે. સાંજ સુધી આ દરોડાનો દોર ચાલનાર હોવાથી મોટાપાયે આ મામલે ધડાકા-ભડાકા થવાની શક્યતા પણ નકારી શકાતી નથી.