દિલ્હીમાં આતિશી મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ ક્યારે કરશે તેને લઈને છેલ્લા બે દિવસથી ચર્ચા થઈ રહી હતી. ત્યારે હવે શપથગ્રહણની તારીખ જાહેર થઈ ગઈ છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આપી મંજૂરી
સૂત્રોના જણાવ્યાનુસાર, અરવિંદ કેજરીવાલે મંગળવારે રાજીનામું સુપરત કર્યું હતું. તેમના રાજીનામાની સાથે, આતિશી દ્વારા સરકારની રચના અંગેનો પત્ર રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ શપથ સમારોહ માટે કોઈ તારીખ આપવામાં આવી ન હતી. આતિશીની સાથે દિલ્હી સરકારના છ મંત્રીઓ પણ શપથ લેશે. રાષ્ટ્રપતિની દ્રૌપદી મુર્મુની મંજૂરી બાદ શપથ સમારોહ 21 સપ્ટેમ્બર (શનિવાર)ના રોજ યોજાશે.
અહેવાલો અનુસાર, કાલકાજી મતવિસ્તારના AAP ધારાસભ્ય આતિશી મુખ્યમંત્રી પદ સંભાળ્યા બાદ 70 સભ્યોની દિલ્હી વિધાનસભામાં તેમની સરકારની બહુમતી સાબિત કરશે. AAP સરકારે 26-27 સપ્ટેમ્બરે વિધાનસભા સત્ર બોલાવ્યું છે. વિધાનસભાનો કાર્યકાળ આવતા વર્ષે 23 ફેબ્રુઆરીએ પૂરો થશે. ફેબ્રુઆરીની શરૂઆતમાં ચૂંટણી પણ યોજાય તેવી શક્યતા છે. દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે 13 સપ્ટેમ્બરે જામીન આપ્યા હતા. જો કે, AAP કન્વીનરને તેમની ઓફિસ અથવા દિલ્હી સચિવાલયની મુલાકાત લેવા અથવા એલજી વીકે સક્સેનાની સંમતિ વિના ફાઇલો પર હસ્તાક્ષર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.