મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોમનવેલ્થ ગેમ્સ-2022માં વિવિધ રમતોમાં મેડલ્સ પ્રાપ્ત કરી ભારત અને ગુજરાતનું વિશ્વમાં ગૌરવ વધારનારા ખેલાડીઓને ગાંધીનગરમાં કુલ 80 લાખ રૂપિયાના ખેલ પ્રતિભા પુરસ્કાર અર્પણ કરી સન્માનિત કર્યા હતા.
રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક બાબતોના વિભાગ દ્વારા ગાંધીનગરમાં આ વિજેતા ખેલાડીઓના સન્માનનો ગૌરવશાળી સમારોહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી અને રાજ્ય મંત્રીએ કોમનવેલ્થ ગેમ્સ-2022માં ટેબલ ટેનિસ રમતમાં ટિમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ વિનર ગુજરાતના ખેલાડી હરમિત દેસાઇને રૂ. 35 લાખનો ખેલ પ્રતિભા પુરસ્કાર એનાયત કર્યો હતો.
- Advertisement -
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પેરા ટેબલ ટેનિસમાં સિંગલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત ભાવિના પટેલને રૂ. 25 લાખનો ચેક અર્પણ કરાયો હતો. જ્યારે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત દિવ્યાંગ ખેલાડી સોનલ પટેલને રૂ. 10 લાખની પુરસ્કાર રાષિના ચેક અર્પણ કરાયો હતો.
તેમણે આ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારી ગુજરાતની બે પ્રતિભાવંત મહિલા ક્રિકેટર યાસ્મિકા ભાટિયા અને રાધા યાદવને પ્રત્યેકને પાંચ લાખ રૂપિયા ખેલ પ્રતિભા પુરસ્કાર અન્વયે અર્પણ કર્યા હતા.
- Advertisement -
દેશભરના ખેલાડીઓનો વધ્યો ઉત્સાહઃ CM ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે ઉપસ્થિત ખેલાડીઓને પ્રેરણા આપતાં કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેલ-કૂદ રમત-ગમત માટે જે નવતર કદમ ઉઠાવ્યા છે અને પ્રોત્સાહનો આપ્યા છે તેનાથી દેશભરના દરેક ખેલાડીનો ઉત્સાહ વધ્યો છે. રમત-ગમત પ્રત્યે જોવાની લોકોની દ્રષ્ટિ બદલાઇ છે અને દરેક રમતોમાં છેક ગ્રામીણ સ્તરે થી પણ પ્રતિભાવંત હોનહાર ખેલાડીઓ વિવિધ રમત-ગમતોમાં ભાગ લેતા થયા છે. એટલું જ નહિ, ભારત હવે રમત-ગમત સહિત દરેક ક્ષેત્રે વિશ્વમાં આગળ વધ્યું છે.
રાજ્યના ખેલાડીઓ વિશ્વસ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તે માટે તેમની પડખે રાજ્ય સરકારઃ CM ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ કે, રાજ્ય સરકાર પણ ખેલાડીઓને અદ્યતન તાલીમ, પ્રોત્સાહનો અને જરૂરી વ્યવસ્થાઓ પૂરી પાડી રાજ્યના ખેલાડીઓ વિશ્વસ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તે માટે તેમની પડખે ઊભી રહી છે. મુખ્યમંત્રીએ આ વિજેતા ખેલાડીઓને ઉજ્જવળ કારકીર્દી અને વધુ ઉત્કૃષ્ટ પ્રદર્શન માટેની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
કોમનવેલ્થ ગેમ્સમાં ભારત ટોપ-પમાં સ્થાન પામ્યુઃ હર્ષ સંઘવી
રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, કોમનવેલ્થ ગેમ્સમાં આ વખતે ભારત ટોપ-પ માં સ્થાન પામ્યુ છે અને ગુજરાતના ખેલાડીઓએ પોતાના ઉજ્જવળ દેખાવ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવના આ વર્ષે ભારતના વિજય વાવટા વિશ્વના ખેલાડીઓ સમક્ષ લહેરાવ્યા છે.
તેમણે કહ્યું કે, રાજ્યના ખેલાડીઓને સતત પ્રોત્સાહન મળતું રહે અને ગુજરાત રમતોમાં પણ અગ્રીમ રહે તેવી નેમ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વમાં સરકારે રમત-ગમત ક્ષેત્રના બજેટમાં વધારા સહિત ખેલાડીઓ માટે અનેકવિધ સુવિધાઓ આપી છે. આવનારા દિવસોમાં ૩૬મી નેશનલ ગેમ્સનું યજમાન બનવા પણ ગુજરાત સજ્જ છે અને નવરાત્રિના દિવસોમાં યોજાનારા આ રમતોત્સવમાં દેશના વિવિધ રાજ્યોના ખેલાડીઓ રમતો સાથે સાથે ગુજરાતની આગવી સાંસ્કૃતિક ઓળખ સમા ગરબા પણ માણી શકે તેવું આયોજન મુખ્યમંત્રીના દિશાનિર્દેશનમાં થઇ રહ્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.
હરમિત દેસાઇ, ભાવિના પટેલ, સોનલ પટેલ, યાસ્તીકા ભાટિયા, રાધા યાદવ.. આપ સૌ ગુજરાતની યુવાશક્તિ માટે પ્રેરણાસ્ત્રોત છો. ગુજરાતને આપના પર ગર્વ છે. આપની સફળતા ગુજરાતને સ્પોર્ટ્સ ક્ષેત્રે નવી ઊંચાઈએ લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવશે. pic.twitter.com/03amcxu4xj
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 17, 2022
રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એમ પણ જણાવ્યું કે, પ્રધાનમંત્રીએ આપેલા હર ઘર તિરંગા અભિયાનના આહ્વાનમાં ગુજરાતે ઉત્સાહભેર ભાગ લીધો તેમજ જ્યારે કોમનવેલ્થમાં આ ખેલાડીઓ મેડલ્સ લેવા જતા કે વિજેતા જાહેર થતા ત્યારે તિરંગો વિદેશની ધરતી પર પણ લહેરાવી લોકોને મા ભારતીના આ ખેલાડીઓનું અદકેરૂં સન્માન કર્યુ હતું.
રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક બાબતોના વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમારે સૌને સ્વાગત પ્રવચનથી આવકાર્યા હતા. તેમણે આ ખેલાડીઓના તત્કાલ સન્માન અને પ્રતિભા પુરસ્કાર માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે રસ દાખવ્યો છે તે માટે આભાર વ્યક્ત કર્યો હતો.
આ ગૌરવશાળી સમારોહમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. અર્જુનસિંહ રાણા, સંયુકત સચિવ પટેલ તેમજ વિવિધ રમતોના પ્રતિભા સંપન્ન ખેલાડીઓ, કોચ અને ખેલકૂદ પ્રેમીઓ તેમજ વિજેતા ખેલાડીઓના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.