ભારતરત્ન અટલજીના સુશાસન અને રાષ્ટ્રવાદના આદર્શો આજે પણ દેશને દિશા આપે છે; રાજકોટમાં વિવિધ સ્થળોએ મહાન નેતાને કરાયા યાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ભારતના પૂર્વ વડાપ્રધાન અને અજાતશત્રુ રાજનેતા અટલ બિહારી વાજપેયીના જન્મજયંતિ અવસરે રાજકોટ (68)ના ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અટલજીના જીવનકવનને યાદ કરતા ધારાસભ્યએ જણાવ્યું હતું કે, 25 ડિસેમ્બર 1924ના રોજ જન્મેલા અટલજીએ સંઘના સ્વયંસેવકથી લઈને દેશના વડાપ્રધાન સુધીની સફર દ્વારા ભારતીય રાજનીતિમાં મૂલ્યનિષ્ઠા અને રાષ્ટ્રવાદના નવા માપદંડ સ્થાપિત કર્યા હતા.
અજાતશત્રુ અને સંવેદનશીલ કવિ તરીકેની ઓળખ ઉદય કાનગડએ અટલજીના બહુમુખી વ્યક્તિત્વ પર પ્રકાશ પાડતા કહ્યું કે, તેઓ માત્ર એક પ્રભાવશાળી વક્તા કે કુશળ રાજનીતિજ્ઞ જ નહીં, પરંતુ એક સંવેદનશીલ કવિ અને સાચા માનવ પણ હતા. 1998માં સર્વશ્રેષ્ઠ સાંસદ અને 2014માં ’ભારતરત્ન’થી સન્માનિત અટલજીએ હંમેશા શાંતિ, સંયમ અને સંવાદને પ્રાધાન્ય આપ્યું હતું. તેમનું રાજકીય જીવન હંમેશા વિવાદોથી પર રહ્યું હતું, જેના કારણે તેઓ તમામ પક્ષો અને વિચારધારાઓના લોકો માટે આદરણીય રહ્યા હતા.
સુશાસન અને પ્રગતિના પ્રણેતા દેશના 10મા વડાપ્રધાન તરીકે ત્રણ ટર્મ સેવા આપનાર અટલજીએ વિકાસ અને સુરક્ષાના ક્ષેત્રે ભારતને વૈશ્વિક મંચ પર ગૌરવ અપાવ્યું હતું. ધારાસભ્યએ ઉમેર્યું કે, અટલજીનું સમગ્ર જીવન સુશાસન અને એકતાના સિદ્ધાંતોનું પ્રતીક છે. આજે પણ તેમના ઉચ્ચ આદર્શો ભાજપના કાર્યકર્તાઓ અને દેશવાસીઓને રાષ્ટ્રસેવા માટે પ્રેરણા આપી રહ્યા છે. અટલજીના આદર્શોને જીવનમાં ઉતારવા એ જ તેમને સાચી ભાવાંજલિ ગણાશે.



