રાજકોટમાં ટાટા-કઝ સહિતની દેશની અનેક કંપનીઓ ઉમટી પડશે
સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો માટે ‘ડિફેન્સ એકસ્પોે’ આકર્ષણનું કેન્દ્ર બનશે
- Advertisement -
વાયબ્રન્ટ ગુજરાત સમિટનો મુખ્ય હેતુ સ્થાનિક ઉદ્યોગોને વૈશ્ર્વિક બજાર સાથે જોડવાનો છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.30
રાજકોટમાં જાન્યુઆરી મહિનાના બીજા સપ્તાહ દરમિયાન યોજાવા જઈ રહેલી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ઔદ્યોગિક અને વ્યાવસાયિક વિકાસને નવી ઉડાન મળે તેવી આશા સેવાઈ રહી છે. ઉદ્યોગકારો અને વેપારીઓમાં આ સમિટને લઇ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વાયબ્રન્ટમાં લઘુઉદ્યોગ ભારતી સૌરાષ્ટ્ર દ્વારા બે મહત્ત્વના સેમિનાર થકી રાજકોટ અને સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને અગત્યનું માર્ગદર્શન આપવામાં આવશે. જેમાં ડિફેન્સ એકસ્પોનું પણ ખાસ સંચાલન કરવામાં આવશે. ડિફેન્સ એક્સ્પો અને કોન્ફોરન્સમાં ભાગ લેવા માટે ટાટા, કઝ સહિત 10થી વધુ નામાંકિત કંપનીઓ તેમજ ડિફેન્સના અફસરો સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગકારો ભાગ લેશે. જેને લઇ તડામાર તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.
લઘુઉદ્યોગ ભારતી ગુજરાત પ્રદેશના મહામંત્રી હંસરાજ ગજેરાએ જણાવ્યું હતું કે, રાજકોટ વિવિધ ક્ષેત્રમાં ડેવલોપ થઇ રહ્યું છે. ઇન્ડસ્ટ્રીઓની શક્તિ વાયબ્રન્ટ સમિટમાં પ્રદર્શિત કરવાથી દુનિયા સમક્ષ રાજકોટ અને સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોની તાસીર અહીં ઉજાગર થશે. દેશ વિદેશના લોકો મોટી મોટી કંપનીઓ રેલવે અને ડિફેન્સ વિભાગના અધિકારીઓ આવી રહ્યા છે. આવતા દિવસોમાં રાજકોટ અને સૌરાષ્ટ્રના ઉદ્યોગમાં ખુબ મોટો બદલાવ ચોક્કસ જોવા મળશે. આનાથી ખુબ મોટો વ્યવસાય મળશે અને ખુબ મોટું સૌરાષ્ટ્રનું ડેવલોપમેન્ટ થશે તેવો મને વિશ્વાસ છે.
- Advertisement -
ડિફેન્સ એકસ્પો બાયર્સ અને સેલર્સ માટે સેતુ સમાન બનશે
રાજકોટ અને સૌરાષ્ટ્રના અનેક ઉદ્યોગકારો ડિફેન્સ સંબંધિત સાધનોનું પ્રોડક્શન કરે છે. ડિફેન્સ એકસ્પો થકી રાજકોટની ડિફેન્સ સંસાધનોની ઔદ્યોગિક ઉત્પાદન ક્ષમતાને સરકાર તેમજ બહારના અન્ય ઉદ્યોગકારો, પી.એસ.યુ. સમક્ષ ઉજાગર કરાશે. આ ડિફેન્સ એકસ્પો બાયર્સ અને સેલર્સ માટે સેતુ સમાન બનશે તેવી આશા છે. ઉપરાંત ડિફેન્સ સંબંધિત સાધનોના ઉત્પાદન બાદ તેના સપ્લાય માટે વેન્ડર રજિસ્ટ્રેશન સહિતની બાબતો અંગે રાજકોટના ઉદ્યોગકારોને ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ અંગેના સેમિનારમાં માર્ગદર્શન આપવામાં આવશે.
રાજકોટમાં 40થી વધુ સેગમેન્ટમાં નોંધપાત્ર કામ થઈ રહ્યું છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે ઔદ્યોગિક વિકાસ માટે વાયબ્રન્ટ ગુજરાતનો નવો ક્ધસેપ્ટ લાવ્યા હતા. હવે ગુજરાત સરકાર રિજનલ વાયબ્રન્ટનો ક્ધસેપ્ટ લાવી છે. સૌરાષ્ટ્રના વિવિધ શહેરો વિવિધ ઉત્પાદનોમાં માસ્ટરી ધરાવે છે અને વિશ્વસ્તરે તેની નામના છે. જેમ કે, મોરબી, થાન, વાંકાનેર સિરામિક ક્ષેત્રે, જામનગર ઈલેક્ટ્રિકલ પાર્ટસ તથા બ્રાસ પાર્ટસ, ભાવનગર શિપબ્રેકિંગ તો જુનાગઢ એગ્રિકલ્ચર ઈન્ડસ્ટ્રીઝમાં માસ્ટરી ધરાવે છે. રાજકોટમાં તો 40થી વધુ સેગમેન્ટમાં નોંધપાત્ર કામ થઈ રહ્યું છે. એન્જિનિયરિંગ, સિલ્વર-ગોલ્ડ જવેલરી, ડિઝલ એન્જિન બાદ હવે ઈલેક્ટ્રિક મોટર્સ વગેરે ક્ષેત્રે રાજકોટ આગળ પડતું છે. આ વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટથી રાજકોટ તથા સૌરાષ્ટ્રમાં ટૂરિઝમ, એગ્રો ઈન્ડસ્ટ્રીઝ, ઔદ્યોગિક વિકાસ વગેરેને મોટો વેગ મળશે. નાના-મોટા વિવિધ વ્યવસાયો તેમજ ઈ- કોમર્સ સંલગ્ન ટેકનોલોજીને લઈને સૌરાષ્ટ્રના યુવાનોમાં જે જાગૃતિ આવી છે, તેમને મોટી તકો ઉપલબ્ધ થશે.



