મગફળી, કપાસ અને સોયાબીન સહિતના પાકને વ્યાપક નુકસાન
સોરઠ પંથકમાં બે દિવસ વરસાદી સિસ્ટમ સક્રિય થતા ખેડૂતોની માઠી દશા
- Advertisement -
તાલાલાના ધારાસભ્યએ જાત નિરીક્ષણ કર્યું, સરકારમાં રજૂઆત કરશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
દિવાળી અને નવા વર્ષના પ્રારંભની ખુશી વચ્ચે સોરઠ પંથકના ખેડૂતો પર આભ ફાટ્યું હોઈ તેવા દ્રશ્યો જોવા મળે છે. છેલ્લા બે દિવસથી અચાનક સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને કારણે કમોસમી માવઠું થતાં ખેતીના ઊભા અને લણણી કરેલા પાકોને વ્યાપક નુકસાની થઈ છે, જેના કારણે ખેડૂતોની માઠી દશા બેઠી છે. મગફળી, કપાસ અને સોયાબીન સહિત પાકને વ્યાપક નુકશાની જોવા મળે છે. જેમાં ખાસ કરીને સોરઠ વિસ્તારમાં જે મુખ્ય પાકોની લણણી ચાલી રહી હતી અથવા તૈયાર થઈ ગયા હતા, તેમને સૌથી વધુ નુકસાન થયું છે: ખેતરમાં લણણી કરીને સૂકવવા મૂકેલી મગફળી પલળી જતાં તેની ગુણવત્તા બગડી છે અને દાણા કાળા પડવાની શક્યતા છે. જયારે વરસાદના કારણે કપાસના જીંડવા પલળી જતાં કપાસનો રંગ પીળો પડવાની અને વજન ઘટવાની ભીતિ છે. અને કાપણી કરેલા સોયાબીનને પણ ભારે નુકસાન થયું છે. આ અણધાર્યા વરસાદથી ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. વરસાદથી થયેલા નુકસાનની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાલાલાના ધારાસભ્ય ભગવાનજીભાઈ બરાડા અસરગ્રસ્ત વિસ્તારોની જાત મુલાકાત લીધી હતી. તેમણે ખેતરોમાં ફરીને પલળી ગયેલા અને નુકસાન પામેલા પાકોનું નિરીક્ષણ કર્યું હતું. ખેડૂતોની રજૂઆતો સાંભળીને ધારાસભ્યએ તેમને આશ્વાસન આપ્યું હતું કે, તેઓ આ નુકસાન અંગેનો સંપૂર્ણ અહેવાલ રાજ્ય સરકારમાં રજૂઆત કરશે અને વહેલી તકે ખેડૂતોને સહાય મળી રહે તે માટે પ્રયત્નો કરશે. ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક ધોરણે પાક નુકસાનનો સર્વે કરાવીને યોગ્ય વળતર આપવાની માંગ કરી છે.
ચોમાસાની સીઝન અનિમિયતાના કારણે વ્યાપક નુકસાન
જૂનાગઢ અને ગીર સોમનાથ સહીત સોરઠ પંથકમાં ચોમાસાની સીઝન શરુ થઇ ત્યારથી વરસાદી સિસ્ટમ અનિયમિત જોવા મળી છે. જેના કારણે ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક નદીઓમાં ઘોડાપુરના લીધે ખેતી પાકને ભારે નુકશાની જોવા મળી હતી. તેમજ ઘેડ પંથક ભારે વરસાદના લીધે જળબંબાકાર થતા અનેક પાળા તૂટવાથી ખેતરોમાં પાણી ઘુસી ગયા હતા અને જમીનનું ધોવાણ થયું હતું અને પાક નષ્ટ થયો હતો. જયારે સોરઠના અન્ય વિસ્તારોમાં ખેતી પાક ત્યાર થયો અને માવઠું થતા ફરી ખેડૂતોના મોઢે આવેલ કોળિયો ઝૂંટવાઈ ગયો છે. આમ સોરઠ પંથકમાં ચોમાસાની ઋતુ અનિયમિતાના કારણે ખેડૂતોને બેવડા માર સહન કરવાનો વારો આવ્યો છે ત્યારે સરકાર તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને વેહલી સહાય ચૂકવે તેવી માંગ ઉઠી છે.
- Advertisement -
ખેડૂતોના ચાલુ વર્ષના પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવા માંગ
ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફેરવતા માવઠા સામે તાત્કાલિક રાહત પેકેજના નાટક નહિ ખેડૂતોના ચાલુ વર્ષના પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવા કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા એ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે, અત્યારે ગુજરાતમાં જ્યારે ખેડૂતોનો ખરીફ પાક તૈયાર છે ખેડૂતો આ તૈયાર પાકને પોતાના ખેતરમાંથી લણણી કરવાનો જ સમય છે ત્યારે જ કુદરત રુઠયો છે ને ખેડૂતોના ખેતરમાં કાપેલા પાક પર માવઠારૂપી પાણી ફરી વળ્યું છે ત્યારે ખેડૂતોના પાક તણાઇ ગયા છે પલળી ગયા છે ત્યારે ખેડૂતોને સરકાર દ્વારા સ્પેશિયલ પેકેજ આપવામાં આવે તેવી ગુજરાત કિસાન કોંગ્રેસની બહુ સ્પષ્ટ માંગ છે. માત્ર જાહેરાત નહિ નક્કર પરિણામ સ્વરૂપ સરકાર ખેડૂતોના ચાલુ વર્ષના પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરે.



