ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.15
આગામી લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ઠેર-ઠેર મતદાન જાગૃતિ માટેના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે ગત મોડીરાત્રે ચિત્રનગરીના કલાકારોએ પણ બહુમાળી ભવન વિસ્તારમાં ’મતદાન જાગૃતિ અભિયાન’નું આયોજન કર્યું હતું. જેમાં બહુમાળી ચોક ખાતે લોકોને મતદાન કરવા પ્રેરિત કરતા ચિત્રો બનાવાયા હતા. આ ચિત્રો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
- Advertisement -
પ્રાપ્ત વિગત મુજબ લોકશાહીના અવસરમાં દેશના વિવિધ વિસ્તારોમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત જુદી-જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. તેવામાં રાજકોટના બહુમાળી ભવન વિસ્તારમાં રસ્તાઓ પર મતદાનની વિવિધ આકૃતિ બનાવી રાજકોટવાસીઓને મતદાન કરવા પ્રેરિત કરાયા હતા. આ તકે રાજકોટના સીનીયર સીટીઝન અને યુવાઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કલાકોની જહેમત બાદ મતદાન જાગૃતિને લગતું વિશાળ ચિત્ર બનાવ્યું હતું. આ ચિત્રને નિહાળી અહીંથી પસાર થતા લોકો કલાકારીની પ્રશંસા કરી રહ્યા છે.