ગુજરાતમાં વધતા જતા ડ્રગ્સના દૂષણ સામે અવાજ ઉઠાવવા માટે નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) દ્વારા આજે અમદાવાદમાં યોજાયેલી ‘સે નો ટુ ડ્રગ્સ’ (Say No To Drugs) રેલી વિવાદનું કેન્દ્ર બની છે. એક તરફ યુવાનોને નશાથી દૂર રહેવાનો સંદેશ આપવાનો પ્રયાસ હતો, તો બીજી તરફ ખુદ જવાબદાર નેતાઓ જ ટ્રાફિકના નિયમોના લીરેલીરા ઉડાવતા જોવા મળ્યા હતા.
નેતાઓ જ બન્યા કાયદા ભંગ કરનારા
- Advertisement -
આ રેલીમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, જીગ્નેશ મેવાણી અને પ્રગતિ આહીર જેવા ટોચના નેતાઓ જોડાયા હતા. જોકે, આશ્ચર્યજનક દ્રશ્યો ત્યારે સર્જાયા જ્યારે આ તમામ દિગ્ગજ નેતાઓ હેલ્મેટ પહેર્યા વિના જ બાઈક પર સવાર થઈને નીકળ્યા હતા.
જાહેર રોડ પર અંદાજિત 8 કિલોમીટર સુધી ફરેલી આ રેલી શહેરની વિવિધ જાણીતી કોલેજો પાસેથી પસાર થઈ હતી. ડ્રગ્સ મુક્ત ગુજરાતની વાત કરતા નેતાઓ પોતાની અને બીજાની સુરક્ષા માટે અનિવાર્ય એવા હેલ્મેટના નિયમનું પાલન કરવાનું ચૂકી ગયા હતા, જેની ટીકા થઈ રહી છે.
મેવાણીનો ગૃહ રાજ્યમંત્રીને ખુલ્લો પડકાર: ‘તાકાત હોય તો પોલીસ ભવન આવી જાઓ’
- Advertisement -
રેલી દરમિયાન એક તરફ નિયમોનો ભંગ ચર્ચામાં રહ્યો, તો બીજી તરફ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના આકરા તેવર જોવા મળ્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને સીધો પડકાર ફેંક્યો હતો. મેવાણીએ ચેલેન્જ આપતા કહ્યું હતું કે, ‘તમારામાં તાકાત હોય તો પોલીસ ભવનના ગ્રાઉન્ડમાં આવી જાઓ. 72,000 કરોડનું ડ્રગ્સ કોણે મોકલ્યું અને કોણે મંગાવ્યું તે મુદ્દે મારી સાથે વન-ટુ-વન ડિબેટ કરો.’
પવિત્ર યાત્રાધામોની આસપાસ ડ્રગ્સ અને દારૂના અડ્ડા?
સરકાર પર પ્રહારો કરતા મેવાણીએ ગંભીર આક્ષેપો કર્યા હતા કે ગુજરાતના પવિત્ર યાત્રાધામો પણ નશાના કારોબારથી બાકાત નથી. દ્વારકા, સોમનાથ, અંબાજી, ખોડલધામ અને બહુચરાજી જેવા મંદિરોની બે-ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં વરલી મટકા, જુગાર અને દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે, જે અત્યંત શરમજનક બાબત છે.
વધુમાં તેમણે દાવો કર્યો હતો કે એક રિપોર્ટ મુજબ ગુજરાતમાં 20 લાખ લોકો ડ્રગ્સના બંધાણી બની ચૂક્યા છે, છતાં સરકાર અને મુખ્યમંત્રી મૌન સેવી રહ્યા છે. ડ્રગ્સ માફિયાઓને ‘ગુજરાત અને દેશના ગદ્દાર’ ગણાવીને ચેતવણી આપી હતી કે આવા તત્ત્વોને છોડવામાં નહીં આવે.




