નિયમને નેવે મૂકી પ્લાન્ટ શરૂ કરી દેતા જાગૃત નાગરિક દ્વારા રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.9
સુરેન્દ્રનગર જિલ્લામાં ઉધોગો નિર્માણ કરાઈ તે સારી બાબત છે પરંતુ જે વિસ્તારમાં ઉધોગો શરૂ કરાય છે તે વિસ્તારના રહીશોના સ્વાસ્થ્યના જોખમે ઉધોગ શરૂ કરવા તે બાબત ખૂબ જ ગંભીર ગણાય છે. ત્યારે હાલ ધ્રાંગધ્રા પંથકને વિકસાવવા માટે ઉધોગો શરૂ કરાયા છે જેમાં કેટલાક ઉધોગો અહીંના વિસ્તારમાં રહેતા રહીશોના સ્વાસ્થ્યને જોખમરૂપી હોવાથી જે તે સમયે ઉધોગો શરૂ કર્યા પૂર્વે થયેલા પબ્લિક હીયરિંગમાં ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો ખાસ કરીને સોલડી ખાતે નિર્માણ થયેલ બાયો મેડિકલ વેસ્ટ પ્લાન્ટ અને હરીપર ગામના ક્યુમોર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના લીધે અહીંના પશુ , જળ અને જમીનને ખુબજ નુકશાન થવાની દહેશતથી વિરોધ નોંધાવી કંપનીનો પ્લાન્ટ શરૂ નહીં કરવા માંગ કરાઇ હતી. જેથી બંને ઉધોગોને શરૂ કરવા માટેની આજદિન સુધી મંજૂરી મળી નથી તેવામાં હરીપર ગામ નજીક બનેલી ક્યુમોર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા મંજૂરી નહીં હોવા છતાં પણ પ્લાન્ટ શરૂ કરી દેવાયો છે જે અંગે હરીપર ગામના જાગૃત નાગરિક મુમાભાઈ રબારી દ્વારા રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને લેખિત રજૂઆત કરાઈ હતી. આ તરફ મંજૂરી નહીં હોવા છતાં પણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયમોને નેવે મૂકી પ્રોડક્શન શરૂ કરી દેતા ખાનગી કંપની દ્વારા જીપીસીબી સામે પડકાર ફેંકતા હોય તેવું દૃશ્ય નજરે પડે છે. ત્યારે હાલ તો છેલ્લા દસેક દિવસથી ખાનગી કંપની દ્વારા મંજૂરી નહીં હોવા છતાં પણ પ્રોડક્શન શરૂ કરી દીધા બાદ પણ કંપની સામે કાર્યવાહી નહીં થતા જીપીસીબીન અધિકારી મૂકપ્રેક્ષક બનીને બેઠા હોવાનો આક્ષેપ કરાયો છે.
- Advertisement -
ખાનગી કંપનીની મનમાની કે પછી તંત્રના કંપની પર ચાર હાથ ?
હરીપર ગામે મંજૂરી વગર શરૂ થયેલ ક્યું મોર ઇન્ડિયા લિમિટેડ કંપનીના લોક સુનાવણી સમયે વિરોધનો વંટોળ થયો હતો જે બાદ આ ઉદ્યોગને મંજૂરી મળી નથી છતાં પણ પ્લાન્ટ શરૂ કરી દેવાયો છે અને આ બાબતે જીપીસીબીના અધિકારીને જાણ પણ કરાઈ છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. જેથી હવે આ ઉદ્યોગના સંચાલકોની મનમાની સમજવી કે અધિકારીઓના ચાર હાથ કંપની પર છે ? તેવા આક્ષેપ જાગૃત નાગરિક મુમાભાઈ રબારી દ્વારા કર્યા છે.