દોષારોપણનું સ્વરૂપ, ગુનાની ગંભીરતા, પ્રથમ દર્શનીય ટેકો આપતા પુરાવાનું સ્વરૂપ, સાહેદો સાથે ચેડાં થવાની સંભાવના ધ્યાને લેવી જોઈએ- સુરેશ ફળદુ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
પૂરા ગુજરાતને હચમચાવી દેનાર અને સ્વજનોના હૃદયદ્રાવક કરૂણ રૂદનથી દેશની જનતાને આંસુ લાવી દેનાર ઘટના કે જેમાં છાપાના સમાચારના આધારે નામદાર ગુજરાત હાઈકોર્ટે રજાના દિવસે સુઓમોટો રીટ દાખલ કરી બીજે જ દિવસે પોલીસ કમિશનર તથા મ્યુનિસિપલ કમિશનર સહિત તંત્રોને આડે હાથ લઈ સાડા ચાર કલાક જેનું હિયરીંગ ચાલેલ હોય તેવી રાજકોટ મુકામેની ટી.આર.પી. અગ્નિકાંડની ઘટનામાં 27ના ભોગ લેનાર ગુનાના કામે પકડાયેલ રાજકોટ મહાનગરપાલિકાના આસિ. એન્જિ. જયદિપ બાલુભાઈ ચૌધરીએ રેગ્યુલર જામીન પર મુક્ત થવા સેશન્સ અદાલતમાં કરેલ જામીન અરજી ચાલી જતાં જામીન અરજી રાજકોટના મહે. એડિ. સેશન્સ જજ ડી. એસ. સિંઘે નામંજૂર કરતો હુકમ ફરમાવેલ છે. કેસની હકીકત જોઈએ તો ટી.આર.પી. ગેમ ઝોનના સંચાલકો આરોપી ધવલ કોર્પોરેશનના પ્રોપરાઈટર (1) ધવલ ભરતભાઈ ઠક્કર તથા રેસ વે એન્ટરપ્રાઈઝના ભાગીદારો (2) અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, (3) કીરીટસિંહ જગદીશસિંહ જાડેજા, (4) પ્રકાશચંદ્ર કનૈયાલાલ હીરણ, (5) યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, (6) રાહુલ લલિતભાઈ રાઠોડ તથા તપાસમાં ખુલવા પામે તે તમામ સામે 50 મીટર પહોળુ અને 60 મીટર લાંબુ અને બેથી ત્રણ માળ જેટલું ઉંચું લોખંડ તથા પતરાંનું ફેબ્રિકેશનનું માળખુ ઉભું કરી ગેમ ઝોન બનાવી તેમાં આગ લાગવાની ઘટના બને તો પહોંચીવળી આગ રોકી મનુષ્ય જીવનને બચાવી શકાય તેવા કોઈ અસરકારક ફાયરના સાધનો રાખ્યા વગર કે અગ્નિશમન વિભાગની એન.ઓ.સી. કે પ્રમાણપત્ર મેળવ્યા વગર જોખમી જગ્યામાં ગેમ ઝોન ચલાવી તેમાં આગ લાગવાનો બનાવ બને તો ગંભીર ઈજાથી લઈ માનવ મૃત્યુ થવાની શતપ્રતિશત સંભાવના હોવાની જાણકારી હોવા છતાં ગેમ ઝોન ચાલુ રાખી 27 માનવોના મૃત્યુ નિપજાવી મહાવ્યથાઓ સાથે આ ગેમ ઝોનમાંથી નાસી ભાગી નીકળેલ ન હોય તો તેઓના મૃત્યુ સંભવ હતા તેવા જોખમમાં નાખી ગુનો કર્યા અન્વયે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પી.એસ.આઈ. પ્રજ્ઞેશકુમાર ભીખાભાઈ ત્રાજીયાએ ફરિયાદ આપેલ હતી.
ઉપરોક્ત ગુનાના કામે ધરપકડ પામેલ રાજકોટ મહાનગરપાલિકાના આસિ. એન્જિ. જયદિપ બાલુભાઈ ચૌધરીએ રેગ્યુલર જામીન ઉપર મુક્ત થવા રાજકોટની સેશન્સ અદાલતમાં જામીન અરજી કરી તેઓ નિર્દોષ હોવાનું અને સીધી કે આડકતરી રીતે સંડોવાયેલ ન હોવાનું, યોગદાન નહીં હોવાની કરેલ રજૂઆતો સામે સ્પે. પી.પી. તથા એડી. સ્પે. પી.પી. દ્વારા દલીલો કરેલ અને ભોગ બનનાર પરિવાર વતી વિગતવાર વાંધા રજૂ કરી એડવોકેટ સુરેશ ફળદુ સહિતનાઓએ રજૂઆત કરેલ કે અરજદારોના પ્રથમથી જ એફ.આઈ.આર.માં નામ છે, સબ ચલતા હૈની જેમ આ કિસ્સો મેન મેઈડ ટ્રેજેડીનો કિસ્સો છે, ટી.આર.પી. ગેમ ઝોનમાં રહેલ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાનો હુકમ હોવા છતાં કાયદા વિરુદ્ધ ઈમ્પેક્ટ ફી ભરવા અરજદારે યાદી કરી આપેલ તથા અન્ય આરોપી સાથે મળી કાવતરુ રચી એકબીજાને મદદગારી કરી ઈમ્પેક્ટ ફી ભરવાના જાવક રજિસ્ટરનો નાશ કરી નવું રજિસ્ટર બનાવી ઈમ્પેક્ટ ફીની ફાઈલ ખોટી રીતના ઈન્વર્ડ કરાવી અરજદાર સહિતનાઓએ એકબીજાને મદદગારી કરી ગુના આચરેલ હોય અને ટી.આર.પી. ગેમ ઝોનમાં ગેરકાયદેસર બાંધકામ તથા ફેબ્રિકેશન ઉભું કરી બેરોકટોક ગેરકાયદેસર ધંધાઓ 2021થી અરજદાર ચાલવા દેતા હતા તે વખતે અરજદારોના જ્ઞાનમાં હતું કે અગ્નિશામક વસ્તુઓ સ્થળ પર નથી કે તેનો પરવાનો નથી કે જરૂરી લાયસન્સો નથી, ગેમઝોનમાં એક્ઝિટ ગેઈટ નથી, ગેમ ઝોનમાં બાળકો તથા તેના સંબંધીઓ અંદર છે તેવા સમયે વેલ્ડિંગ કરવાથી તેનો તીખારો નીચે રહેલ ઝડપથી અગ્નિ પકડી લે તેવી વસ્તુ ઉપર પડવાથી આગ લાગી શકે અને માનવ જિંદગીનો અંત આવી શકે તેવા જ્ઞાન સાથે નફાખોરીના હેતુથી રહેણાંકની જગ્યા ઉપર કોમર્શિયલ બિઝનેસ ચલાવવા દેવામાં આવેલ હતો અને વર્ષ દિવસ પહેલાં આગની ઘટના ઘટેલ છતાં ફાયર સેફ્ટી અંગેના પરવાના લીધા વગર માનવ જિંદગી જોખમાય તેમ હોવાની હરેક બાબતો અરજદારના જ્ઞાનમાં હતી, ગુનાના કામે પ્રિપેરેશન એક્ટ અને નોલેઝની આરોપીઓની હાજરી છે લોકોએ જીવ ગુમાવવા પડે તેવા જ્ઞાન સાથે આરોપીઓએ ગુનો આચરેલ છે, આ તબક્કે દોષારોપણનું સ્વરૂપ ગુનાની ગંભીરતા પ્રથમ દર્શનીય ટેકો આપતા પુરાવાનું સ્વરૂપ સાહેદો સાથે ચેડાં થવાની સંભાવના હોય અને આ કોઈ કુદરતી નહીં પરંતુ માનવસર્જિત ટી.આર.પી. ગેમ ઝોનમાં અગ્નિકાંડનો બનાવ બનવા પામેલ હોય 27 લોકોએ આરોપીઓના કારણે જીવ ગુમાવેલા હોય પરિવારના માળા વેરવિખેર થઈ ગયેલ હોય ત્યારે આરોપીની જામીન અરજી નામંજૂર કરવી જોઈએ, લંબાણપૂર્વકની દલીલો કરવામાં આવેલ.તમામ પક્ષોની રજૂઆતો, ત.ક. અધિકારીના સોગંદનામા, ભોગ બનનાર પક્ષોના વાંધાઓ તેમજ સ્પે. પી.પી., એડી. સ્પે. પી.પી. અને ભોગ બનનાર પરિવારપક્ષેના વકીલની રજૂઆતો લક્ષે લઈ અરજદારની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરતો હુકમ ફરમાવવામાં આવેલ છે.
ઉપરોક્ત કામમાં ભોગ બનનાર પ્રદિપસિંહ ચૌહાણ પરિવાર વતી રાજકોટ બાર એસોસિએશન વતી ઉપપ્રમુખ સુરેશ ફળદુ, સ્પે. પી.પી. તુષાર ગોકાણી, એડી. સ્પે. પી.પી. નીતેશ કથીરીયા તથા અન્ય એક ભોગ બનનાર વતી એન. આર. જાડેજાનાઓએ હાજર રહી કાર્યવાહી કરેલ હતી.