વડાપ્રધાન કેર્સ ફોર ચિલ્ડ્રન એ નિરાધાર બનેલા બાળકો પ્રત્યે સમગ્ર રાષ્ટ્રની સંવેદનાનું પ્રતિબિંબ : વડાપ્રધાન મોદી
ખાસ-ખબર સંવાદદાતા
કોરોનાના કપરા કાળમાં જે-તે સમયે માતા-પિતાની છત્રછાયા ગુમાવીનેનિરાધાર બનેલા બાળકોની સુરક્ષા માટે બનાવવામાં આવેલી પી. એમ. કેર્સ ફોર ચિલ્ડ્રન કાર્યકમનું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ચુઅલી લોન્ચિંગ કર્યુ હતું. આ પ્રસંગે મોરબી કલેક્ટર કચેરી ખાતે કેન્દ્રિયમંત્રી મહેન્દ્રભાઈ મુંજપરા તેમજ રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાની પ્રેરક ઉપસ્થિતિમાં લોન્ચિંગ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યુ હતુ કે,કોરોનાના કારણે બાળકોના જીવનમાં આવેલો એ બદલાવ મુશ્કેલ હતો, તેમની મુશ્કેલી ઓછી કરવાનો આ એક પ્રયાસ છે. આ એક પ્રતિબિંબ છે જે દર્શાવે છે કે, સમગ્ર રાષ્ટ્ર સંવેદનશીલતાથી આ બાળકોની સાથે છે. તમામ સહકારથી રાષ્ટ્ર આ બાળકોના સપનાઓની ઉડાનમાં સાથે ઉભુ છે તેમ જણાવી ઉજ્જવળ ભવિષ્યના આશિર્વાદ આપ્યા હતા.
- Advertisement -
આ તકે મહિલા અને બાળ કલ્યાણ વિકાસના કેન્દ્રીયમંત્રી તેમજ સુરેન્દ્રનગરના સાંસદ ડો. મહેન્દ્રભાઈ મુંજપરાએ મોરબી જિલ્લાના આ યોજનાના બાળકો સાથે વાર્તાલાપ કરતા જણાવ્યું હતું કે, કોરોનાએ મુકેલી ગંભીર અસરોને ઓછી કરવાના આ પ્રયાસના પરિણામ પણ સારા દેખાઇ રહ્યા છે. ભાવિ ભારતના નાગરિકોની જાળવણી એ આપણા સૌની જવાબદારી છે. રાજય સરકાર તેમજ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના સંકલનથી બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા સરકાર તેમજ જિલ્લા વહિવટી તંત્ર કટિબદ્ધ છે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતુ.
આ કાર્યક્રમમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરિયા, જિલ્લા કલેક્ટર જે.બી.પટેલ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અનિલાબેન પીપળીયા, મહિલા અને બાળ વિકાસ અધિકારી વિપુલભાઇ શેરસીયા,અગ્રણીઅરવિંદભાઇ વાંસદળીયા, રાજુભાઇ બદ્રકીયા,વિવિધ વિભાગના અધિકારી-કર્મચારી, લાભાર્થી બાળકો અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે તેવા છ બાળકોને કેન્દ્ર સરકારની સ્પોંસરશીપ યોજના હેઠળ માસિક 2000 અને રાજય સરકારની મુંખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ માસિક 4000 નો લાભ મળી રહ્યો છે.