તરઘડીયા ખાતે રાજકોટ જિલ્લાકક્ષાનો પી.એમ. કિસાન ઉત્સવ દિવસ યોજાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં તરઘડીયા સ્થિત ત્રિમંદિર ખાતે રાજકોટ જિલ્લાકક્ષાનો ‘પી.એમ.કિસાન ઉત્સવ દિવસ’ કાર્યક્રમ યોજાયો હતો.
આ તકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ખેડૂતોને પી.એમ.કિસાન સમ્માન નિધિ યોજનાનાં 20માં હપ્તાની ચૂકવણી કરવામાં આવી હતી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પણ વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યનાં તમામ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. રાજકોટ જિલ્લાનાં 1.93 લાખ ખેડૂત પરિવારોને 20માં હપ્તા દ્વારા 38.79 કરોડની સહાયની ચૂકવણી કરાઈ હતી. આ અવસરે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે તરઘડીયા ખાતે ઉપસ્થિત રહી વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યના અન્ય ખેડૂતોને પણ શુભકામના પાઠવી હતી.
- Advertisement -
મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ખેડૂતો માટે કૃષિ યાંત્રિકીકરણ, કૃષિમાં નેનો ટેક્નોલોજી, કૃષિ આઇ.ટી. જેવી મહત્વપૂર્ણ યોજનાઓ અસરકારક રીતે અમલમાં મૂકી છે. પીએમ કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ વડાપ્રધાન દ્વારા અત્યાર સુધીમાં 19 હપ્તા દરમિયાન દેશનાં 11 કરોડથી વધુ ખેડૂત પરિવારોને ત્રણ હપ્તા દ્વારા 3.69 લાખ કરોડથી વધુ રકમની સહાય ચૂકવી ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા તથા રામભાઈ મોકરીયા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિનાં ચેરમેન, જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, સંયુક્ત ખેતી નિયામક (વિસ્તરણ) દવે સહિત અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. કાર્યક્રમનું સંચાલન એચ.ડી.ગઢવીએ કર્યું હતું.