-એક જ તબક્કામાં થશે મતદાન, 8 ડિસેમ્બરે પરિણામ જાહેર
ચૂંટણી પંચે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે.
- Advertisement -
ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખોની જાહેરાતોની ચર્ચાની વચ્ચે આજે માત્ર હિમાચલ પ્રદેશની તારીખો ચૂંટણી પંચ દ્વારા જાહેર કરી દેવાઈ છે. જેમાં 12 નવેમ્બરના રોજ મતદાન યોજાશે.
મહત્વની તારીખો
મતદાનની તારીખ : 12 નવેમ્બર, 2022
- Advertisement -
પરિણામની તારીખ : 8 ડિસેમ્બર, 2022
હિમાચલ પ્રદેશમાં 68 બેઠકો પર યોજાશે ચૂંટણી
હિમાચલ પ્રદેશમાં 68 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે, જ્યારે ગુજરાતમાં 182 બેઠકો પર ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થશે. આ બંને રાજ્યોમાં ભાજપનું શાસન છે. હિમાચલમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર થશે, જ્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી આ વખતે તનતોડ મહેનત કરી રહી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ છેલ્લા ઘણા દિવસોથી ગુજરાત પર ફોકસ કરી રહ્યા છે. જો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપરા છાપરી ગુજરાતના પ્રવાસો યોજી રહ્યા છે.
હિમાચલ પ્રદેશ ચૂંટણી પરિણામ – 2017
કુલ બેઠક – 68
ભાજપ – 44
કોંગ્રેસ – 21
અન્ય – 03
ગુજરાત ચૂંટણીની તારીખો જાહેર ન થવાના સંભવિત કારણો
મહત્વનું છે કે, ગુજરાતમાં હજું ઘણા સરકારી કાર્યક્રમો બાકી છે. ડિફેન્સ એક્સપો જે 20-21-22 ઓક્ટોબરે આયોજિત છે, જેમાં વડાપ્રધાન પોતે હાજરી આપવાના છે. આવા સંજોગોમાં ગુજરાતની ચૂંટણી જાહેર થવાની શક્યતા ઓછી છે. આ પહેલાં પણ ડિફેન્સ એક્સપો માર્ચ 2022માં આયોજિત કરવામાં આવ્યો હતો, પરંતુ અમુક કારણોથી એ પાછો ઠેલવામાં આવ્યો હતો. ગુજરાત એક્સપો સરકારનો ખૂબ મોટો કાર્યક્રમ માનવામાં આવે છે. આ ઉપરાંત પણ ઓક્ટોબર મહિનામાં ઘણાં નાના-મોટા કાર્યક્રમો છે જે સરકાર દ્વારા આયોજિત કરાયેલા છે. બીજી બાજુ વાત કરીએ તો 18 ફેબ્રુઆરીએ ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે જ્યારે હિમાચલ પ્રદેશનો 8 જાન્યુઆરીએ પૂર્ણ થઈ રહ્યો છે. જેથી ગુજરાતની તારીખો મોડી કરવાનું નક્કી કર્યુ હોઈ શકે.
2017માં બંને રાજ્યોમાં અલગ-અલગ તારીખે થયું હતું મતદાન
વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી વિશે વાત કરીએ તો ગુજરાતની સાથે હિમાચલ પ્રદેશમાં પણ ચૂંટણી યોજાઈ હતી, જોકે મતદાનની તારીખ અલગ-અલગ હતી. જ્યારે મતગણતરી બંને રાજ્યોમાં એક જ દિવસે કરવામાં આવી હતી. હિમાચલ પ્રદેશમાં 68 સીટોવાળી વિધાનસભા માટે 9 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થયું હતું. જ્યારે આ બંને રાજ્યોના ચૂંટણી પરિણામો 18 ડિસેમ્બરના રોજ આવ્યા હતા.
55,07,261 મતદારો તેમના મતાધિકારનો કરશે ઉપયોગ
હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં 55,07,261 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. આ સાથે ચૂંટણી પંચે ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. હિમાચલના મુખ્ય ચૂંટણી અધિકારી મનીષ ગર્ગે જણાવ્યું હતું કે, રાજ્યમાં 18-19 વર્ષની વય જૂથના 69,781 નવા મતદારો નોંધાયા છે. હવે કુલ 55,07,261 મતદારો છે, જેમાં 27,80,208 પુરૂષ, 27,27,016 મહિલા અને 37 તૃતીય લિંગના મતદારો છે. આ ઉપરાંત દિવ્યાંગ મતદારોની સંખ્યા વધીને 56,001 થઈ છે. જેમાં 1470નો વધારો થયો છે. મતદારોનો લિંગ ગુણોત્તર 978થી વધીને 981 થયો છે.