જાણીતા સિંગર ઝુબિન ગર્ગના નિધન મામલે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ મોટો ઘટસ્ફોટ કર્યો છે. તેમણે વિધાનસભામાં ખુલાસો કર્યો છે કે ઝુબિન ગર્ગનું મોત કોઈ અકસ્માતમાં નહોતું થયું. તેમની હત્યા કરવામાં આવી હતી. આટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું છે કે દોષિતોને છોડવામાં આવશે નહીં.
સિંગાપોરના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ડૂબવાથી મોતનું કારણ
- Advertisement -
નોંધનીય છે કે શરૂઆતમાં સિંગાપોર દ્વારા કહેવામાં આવ્યું હતું કે ગર્ગનું મોટું એક અકસ્માતમાં થયું છે અને સિંગાપોર દ્વારા આપવામાં આવેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ ડૂબવાના કારણે મોતનું કારણ આપવામાં આવ્યું હતું. જોકે બાદમાં આસામ સરકારે પોતાની રીતે અલગથી તપાસ શરૂ કરી હતી.
મુખ્યમંત્રીનો દાવો: ચારથી પાંચ લોકો વિરુદ્ધ કેસ થશે
આસામના મુખ્યમંત્રીએ હવે વિધાનસભામાં કહ્યું છે કે, ‘અમને આશંકા હતી જ કે આ હત્યાનો કેસ છે. આરોપીઓમાંથી એકે હત્યા કરી અને અન્યોએ તેની મદદ કરી છે. ચારથી પાંચ લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવશે.’
- Advertisement -
આસામ સરકારે SIT અને ન્યાયિક આયોગની રચના કરી
નોંધનીય છે ઝુબિનનું મોત 19 સપ્ટેમ્બર સિંગાપોરમાં એક ફેસ્ટિવમાં થયું હતું. તેઓ તરવા માટે પાણીમાં ઉતર્યા અને અચાનક ડૂબી ગયા. ત્યારે એવો દાવો કરાયો હતો કે તેમણે લાઈફ જેકેટ નહોતું પહેર્યું. જોકે પરિવાર અને ચાહકોએ આ મોત મામલે સવાલ ઉઠાવ્યા હતા. આ દબાણ બાદ આસામ સરકારે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ(SIT) અને એક સદસ્યીય ન્યાયિક આયોગની રચના કરી. ભારત સરકારે પણ સિંગાપોર પાસેથી તપાસમાં મદદ મેળવવા માટે MLAT(મ્યુચ્યુઅલ લીગલ આસિસ્ટન્સ ટ્રીટી) પ્રક્રિયા શરૂ કરી છે.
પોલીસે આ કેસમાં સાત લોકોની ધરપકડ કરી છે
તપાસ દરમિયાન અત્યાર સુધીમાં અનેક મહત્ત્વના ખુલાસા થયા છે. પોલીસે આ કેસમાં સાત લોકોની ધરપકડ કરી છે, જેમાં ફેસ્ટિવલના આયોજક શ્યામકાનુ મહંત, મેનેજર સિદ્ધાર્થ શર્મા, કેટલાક બેન્ડ સભ્યો, ઝુબિનના કઝિન ભાઈ અને તેમના સુરક્ષાકર્મીઓનો સમાવેશ થાય છે. વધુમાં, સુરક્ષાકર્મીઓના બેન્ક ખાતાઓમાં ₹1.1 કરોડથી વધુની શંકાસ્પદ રકમ મળી આવ્યા બાદ હવે નાણાકીય એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ ગઈ છે.
બીજી ઑટોપ્સી રિપોર્ટમાં એ વાત સ્પષ્ટ થઈ છે કે ઝુબિનનું મૃત્યુ ઝેરથી નથી થયું, તેમ છતાં મોડેથી મળેલી સારવાર, સંભવિત ષડયંત્ર, વિરોધાભાસી નિવેદનો અને નાણાકીય વ્યવહારોએ આ કેસને વધુ ગૂંચવ્યો છે. જોકે સિંગાપોર પોલીસ હજી પણ આ ઘટનાને અકસ્માત માની રહી છે, પણ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ સ્પષ્ટપણે તેને હત્યા ગણાવીને જલદી ચાર્જશીટ દાખલ કરવાની વાત કહી છે.




